માતા સાથે મારપીટ કરનાર પુત્ર-પુત્રવધુને કોર્ટે બે વર્ષની જેલની સજા ફટકારી…

આ ચુકાદો એવા દીકરાના ગાલે તમાચો છે જે દૂધમાં પડેલી માખીની જેમા માતા-પિતાને હાંકી કાઢવા માંગે છે : કોર્ટ…

હૈદરાબાદ,
હૈદરાબાદમાં એક વ્યક્ત અને તેની પત્નીને કોર્ટે બે વર્ષની જેલની સજા ફટકારી છે. અમિત કુમાર અને તેની પત્ની સવિતાએ ઘરડી માતાનું જીવવું હરામ કરી દીધું હતું. બંને અવારનવાર માતા પ્રેમા કુમારી સાથે મારપીટ કરતા હતા અને જીવથી મારી નાખવાની ધમકી આપતા હતા. મા ઘણા સમયથી બંનેનો અત્યાચાર સહન કરી રહી હતી, પરંતુ જ્યારે તેને માલુમ પડ્યું કે દીકરાએ ખોટી રીતે તેનું મકાન પોતાના નામે કરી લીધું છે ત્યારે તેની ધીરજ ખૂટી ગઈ હતી.

૭૦ વર્ષની પ્રેમા કુમારીના બે દીકરા અને એક દીકરી છે. લગ્ન થતાં જ ત્રણેય બાળકો અલગ થઈ ગયા હતા. ઘરમાં ઘરડા મા-બાપ વધ્યા હતા. વર્ષ ૨૦૧૩માં પરિવારના મોભી અને પ્રેમા કુમારીના પતિ અમરુદ્ધ કુમારનું મોત થઈ ગયું હતું. ત્યાર બાદ પ્રેમા કુમારીના મોટા પુત્રની તેના મકાન પર નજર બગડી હતી. માતાની સેવા કરવાના બહાને તે ઘરે રહેવા આવી ગયો હતો. બાદમાં તેણે મકાન તેના નામે કરી લીધું હતું. પ્રેમા કુમારીને શરૂઆતમાં આ વાતની જરા પણ ખબર પડી ન હતી.

મકાન પોતાના નામે થયા બાદથી જ પુત્ર અમિત અને પુત્રવધૂ સવિતા માતાને ઘર બહાર કાઢવાનો કારસો ઘડવા લાગ્યા હતા, પરંતુ માતાએ ઘર છોડીને જવાનો ઇન્કાર કરી દીધો હતો. જે બાદમાં કળિયુગના પુત્રએ માતા પર અત્યાચાર કરવાનું શરૂ કરી દીધું હતું.