મહેમદાવાદ સિદ્ધિ વિનાયક મંદિરના ટ્રસ્ટીનું અકસ્માતમાં દુઃખદ નિધન…

મહેમદાવાદ સિદ્ધિ વિનાયક મંદિરના ટ્રસ્ટી વિરેન્દ્રભાઈ રાવલનું વડોદરા વાઘોડિયા ચોકડી પાસે અકસ્માતમાં દુઃખદ નિધન થયું છે. વિરેન્દ્રભાઈ રાવલ નિવૃત ડીવાયએસપી હતા અને તેઓ મહેદાવાદના વિખ્યાત સિદ્ધી વિનાયક ગણેશ મંદિરના ટ્રસ્ટી પણ હતા. મંગળવારે સવારે અમદાવાદથી નવસારી કામઅર્થે જઈ રહ્યા હતા ત્યારે તેમની કારનો અક્સમાત સર્જાયો હતો જેમાં તેમનું મૃત્યું નિપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ વિરેન્દ્રભાઈ રાવલ અમદાવાદથી નવસારી જઈ રહ્યા હતા તે વખતે વડોદરા નજીક વાઘોડિયા ચોકડી પાસે તેમની કારની ટક્કર ટેમ્પો સાથે થઈ હતી. પાછળથી કાર ટેમ્પોમાં ઘૂસી જતા ડ્રાઈવર બાજુના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
વડોદરાના બાપોદ પોલીસ મથકમાં નોંધાયેલી ફરીયાદ મુજબ અમદાવાદ ખાતે રહેતા વિરેન્દ્રભાઇ બળવંતભાઇ રાવલ નિવૃત્ત આસી. મદદનીશ પોલીસ કમિશ્નર હતા. તેઓ તેમની કાર લઇને તેમના સાળાના ઘરે મળવા માટે અમદાવાદ થી નવસારી જઇ રહ્યા હતા. તે દરમિયાન વાઘોડિયા બ્રીજ પર એક જીજે-૦૬-એટી-૧૯૬૨ના ટેમ્પો ચાલકે તેમની સાથે અકસ્માત કર્યો હતો. જેમાં તેમનું મોત નીપજ્યુ હતુ.
આ ઘટના અંગેની અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતા તેમના જમાઇ નીકુલ પટેલને જાણ થતાં તેઓ તાત્કાલીક વડોદરા દોડી આવ્યા હતા. આ દરમિયાન વિરેન્દ્રભાઇ રાવલનો મૃતદેહ વડોદરાના સયાજી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. વિરેન્દ્રભાઇ રાવલના પત્ની હર્ષીદેબેન તથા દિકરો નમન ઓસ્ટ્રેલિયા હોવાથી તેમનો મૃતદેહ અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યો હતો.