મહારાષ્ટ્રમાં લોકડાઉન લગાવવા નથી માંગતો પરંતુ મજબુરી છે : ઉદ્ધવ ઠાકરે

28

કોરોના કેસો વધતાં મુખ્યમંત્રીએ લોકડાઉનના સંકેત આપ્યા…

મુંબઇ : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સમગ્ર રાજ્યમાં ગયા વર્ષની જેમ ફરીથી કોરોના-લોકડાઉન લાગુ કરવાના મામલે એક સંકેત આપ્યો છે. એમણે કહ્યું છે કે, ‘રાજ્યમાં ફરી લોકડાઉન લાગુ થાય એવું હું ઈચ્છતો નથી, પરંતુ મજબૂરી પણ એક કારણ હોય છે.’
આમ છતાં, ઠાકરેએ જનતાને ખાતરી આપી છે કે પોતે કોરોના વાઈરસના કેસોની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. રાજ્યમાં ફરી લોકડાઉન ટાળવું હોય તો લોકો માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ સહિતના કોવિડ-૧૯ નિયમોનું પાલન કરે. મુંબઈમાં ગઈ કાલે એક જ દિવસમાં કોરોનાના નવા ૧,૦૫૧ કેસ નોંધાયા હતા અને પાંચ જણનું મૃત્યુ થયું હતું. પુણે શહેરમાં ૧૪ માર્ચ સુધી સ્કૂલ, કોલેજ, ખાનગી કોચિંગ સેન્ટરો બંધ કરી દેવામાં આવ્યા છે. રાતનો કર્ફ્યૂ પણ ૧૪-માર્ચ સુધી લંબાવી દેવાયો છે.
છેલ્લા અઠવાડિયાથી મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં રવિવારે કોવિડ -૧૯ ના આઠ હજારથી વધુ નવા કેસ નોંધાયા છે જ્યારે ૨૪ કલાકમાં ૬૨ લોકોનાં મોત નીપજ્યાં છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ૫૨,૧૫૪ લોકો કોરોના વાયરસને કારણે મૃત્યુ પામ્યા છે. રવિવારે કોરોના વાયરસના ૮,૨૯૩ નવા કેસ નોંધાયા છે, આ પાંચમો દિવસ છે જ્યારે રાજ્યમાં આઠ હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે.

  • આપણે સચિન-વિરાટની સદી જોઇ હવે પેટ્રોલ-ડિઝલની સદી જોઇ રહ્યા છીએ : ઉદ્ધવ
    પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોએ જ્યાં સામાન્ય લોકો માટે માથાનો દુઃખાવો કરી દીધો છે ત્યાં વિરોધી પક્ષ આ મુદ્દે સરકારને ઘેરવા માટે દરેક સંભવ પ્રયત્ન કરી રહ્યા છે. હવે ઈંધણની કિંમતો માટે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદી અને તેમની સરકાર પર જોરદાર હુમલો કર્યો છે. તેમણે રવિવારે એક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન કહ્યુ કે આપણે વિરાટ કોહલી-સચિન તેંડુલકરની સદી જોઈ છે પરંતુ હવે આપણે પેટ્રોલ-ડીઝલની સદી જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે દેશના ઘણા રાજ્યોમાં પેટ્રોલની કિંમત ૧૦૦ રૂપિયા પ્રતિ લિટરનો આંકડો પાર કરી ચૂકી છે. વળી, ઘણા શહેરોમાં ઈંધણની કિંમત ૧૦૦ રૂપિયા પ્રતિ લિટર પહોંચવામાં છે.