મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની લૉકડાઉનની ચેતવણીથી ગભરાયા શ્રમિકો, હિજરત શરૂ કરી દીધી…

19

(જી.એન.એસ.) મુંબઇ, તા.૪
રાજ્યમાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો હોવાથી સ્થિતિ ગંભીર સ્વરૂપ ધારણ કરી છે. દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઇ શહેરમાં દરરોજ હજારો કેસ નોંધાઇ રહ્યા હોવાથી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ફરી એકવાર લૉકડાઉન લગાવવાની ચેતવણી આપ્યા બાદ અન્ય રાજ્યોમાંથી રોજગાર માટે આવેલા શ્રમિકોમાં ગભરાટ ફેલાયો છે અને પહેલાની જેમ કફોડી હાલત ન થાય તે ભયથી શ્રમિક વર્ગે હિજરત શરૂ કરી દીધી છે.

ગયા વર્ષે માર્ચ મહિનાના અંતમાં લાદવામાં આવેલા લૉકડાઉનને કારણે મજૂર વર્ગ હેરાન અને પાયમાલ થઇ ગયાં હતાં. પરિવહનની બધી જ સુવિધાઓ બંધ કરી હોવાથી બેરોજગાર મજબૂર મજૂરો પગપાળા પોતાને વતન જઇ રહ્યા હતાં. ફરી એક વાર જૂના દિવસોનું પુનરાવર્તન ન થાય તેના ભયથી મુંબઇ સહિત મોટા શહેરોમાં મજૂરી કરતાં સેંકડો લોકોએ લૉકડાઉન લાગે અને પરિવહનના માધ્યમો બંધ થાય તે પહેલા ફરી એકવાર હિજરતનો માર્ગ અપનાવ્યો છે.

કોરોનાનો પ્રસાર વિકરાળ રૂપ લઇ રહ્યો હોવાથી મુખ્ય પ્રધાને બીજી એપ્રિલના રોજ ફેસબૂક લાઇવ દ્વારા જનતાને સંબોધતા લૉકડાઉન સિવાય બીજો કોઇ વિકલ્પ ન હોવાથી લૉકડાઉન સ્વીકારવું પડશે એવી ચેતવણી આપ્યા બાદ શ્રમિકોની ચિંતા વધી ગઇ છે. શનિવારે રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનો પર મોટી સંખ્યામાં લોકો પોતાને ગામ જઇ રહ્યા હોવાનું ચિત્ર જોવા મળ્યું હતું.

કોરોનાના પ્રસારને પગલે મૉલ, થિયેટર, નાટ્યગૃહ બંધ કરવા માટે સરકાર વિચાર કરી રહી છે. મુંબઇ સહિત જે જિલ્લામાં દરદીની સંખ્યામાં વધારો થયો છે ત્યાં હૉટેલ બંધ રાખવામાં આવશે અને તેમને હોમ ડિલિવરી અને ટેક-અવેની મંજૂરી આપવામાં આવશે. શોપિંગ મૉલ્સ પણ ૧૫ દિવસ બંધ રહી શકે છે. ખાનગી કંપનીને ‘વર્ક ફ્રોમ’ હોમ ફરજિયાત કરવાનો આદેશ આપવામાં આવશે. એટલું જ નહીં લોકલ ટ્રેનો ફક્ત જીવનાવશ્યક સેવા સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે રાખીને સામાન્ય નાગરિકોને સમય આધારિત પરવાનગી આપવામાં આવી છે તે રદ કરી શકાય તેમ હોવાનું મુંબઇના પાલક પ્રધાન અસલમ શેખે શનિવારે જણાવ્યું હતું.