મહારાષ્ટ્રના ધુલે નજીક એસટી બસ-કન્ટેનર વચ્ચે અકસ્માત : ૧૫ લોકોના મોત

મહારાષ્ટ્રના ધુલે નજીક એક એસટી બસને અકસ્માત નડ્યો હતો. બસ અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ૧૫ લોકોના મોત અને ૩૫ જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.
એક રીપોર્ટ અનુસાર રવિવારની મોડી રાત્રે મહારાષ્ટ્રના ધુલે નજીક ઓરંગાબાદથી શહાદા જતી એક એસટી બસ અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, બસમાં મુસાફરી કરતા મોટાભાગના લોકો ઘાયલ થયા હતા. અકસ્માતમાં બસની એક સાઈડના ભાગનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. એસટી બસ અને કન્ટેનર ધડાકા ભેર અથડાતા સ્થાનિક લોકો અને અન્ય વાહન ચાલકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. એકઠા થયેલા લોકોના ટોળાને બસમાંથી ઘાયલોને બહાર કાઢવાની કામગીરી કરીને તમામ ઘાયલ થયેલા લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડ્યા હતા.
આ ઘટનામાં ૧૫ જેટલા લોકોના મોત ઘટના સ્થળ પર જ નીપજ્યા હતા અને ૩૫ જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા ૧૯ લોકોને ધુલેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે એન અન્ય લોકોને બીજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. કેટલાક મુસાફરોની સ્થિતિ ગંભીર હોવાના કારણે અકસ્માતમાં મૃત્યુઆંક વઘે તેવી સંભાવનાઓ છે. એસટી વિભાગ દ્વારા ઈજાગ્રસ્તો અને મૃતકોને સહાયની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મૃતકોના પરિવારને ૧૦ હજારની સહાય આપવામાં આવશે અને ઈજાગ્રસ્તોના પરીવારને એક હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે. હાલ સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.