મહત્વનો નિર્ણય : ૫મી એપ્રિલથી ધોરણ ૧થી ૯ની સરકારી-ખાનગી સ્કૂલોમાં શિક્ષણ કાર્ય બંધ…

189
રાજ્યમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓને આ સૂચનાઓનો અમલ કરવાનો રહેશે…
વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસ શરૂ રહેશે…
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વિદ્યાર્થીઓના વ્યાપક હિત અને કોરોના સંક્રમણ નિયંત્રણના ઉદ્દેશ્યથી આ નિર્ણય કર્યો છે…

ગાંધીનગર : ગુજરાતમાં વધતા કોરોનાના કેસને કારણે સરકારે ૧૮મી માર્ચથી ૧૦મી એપ્રિલ સુધી આઠ મહાનગરોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરી દીધું હતું, ત્યારે આજે શનિવારે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં ૫મી એપ્રિલથી ૧થી ૯ની તમામ સરકારી અને ખાનગી સ્કૂલોમાં શિક્ષણ કાર્ય બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આજે યોજાયેલ કોર કમિટીના આ નિર્ણય પ્રમાણે રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં લઈને સમગ્ર રાજ્યમાં ધોરણ ૧થી૯ની તમામ સરકારી અને ખાનગી સ્કૂલોમાં સોમવાર ૫મી એપ્રિલથી અન્ય સૂચનાઓ કે આદેશ ના થાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવશે. તમામ સ્કૂલોએ આ સૂચનાઓનો અમલ કરવાનો રહેશે. મુખ્યમંત્રી રૂપાણીએ કોર કમિટીની બેઠકમાં રાજ્યના વિદ્યાર્થીઓના વ્યાપક હિત અને કોરોના સંક્રમણ નિયંત્રણના ઉદ્દેશ્યથી આ નિર્ણય લીધો છે.

નોંધનીય છે કે, આગામી ૪ મેથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે, જેથી વિદ્યાર્થીઓને કોરોનાના સંક્રમણથી દૂર રાખવા માટે શિક્ષણ વિભાગ દ્વારા કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા સમયે જો કોઈ વિદ્યાર્થીને તાવ, શરદી, ખાંસી તેમજ ટેમ્પરેચર વધારે જણાશે તો તે વિદ્યાર્થીને અલગ રૂમમાં બેસાડવામાં આવશે, જેથી અન્ય કોઈ વિદ્યાર્થીમાં સંક્રમણનો ભય ન રહે. જોકે હાલની સ્થિતિને જોતાં હવે બોર્ડની પરીક્ષા સમયે શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા સમયે કેટલાક નવા નિયમો પણ અમલમાં લાવવામાં આવી શકે છે.