મસુદ અઝહર પર પાકિસ્તાને કાર્યવાહી શરૂ કરી, સંપત્તિઓ જપ્ત, યાત્રા પર પ્રતિબંધ

UN દ્વારા વૈશ્ચિક આતંકવાદી જાહેર કરાયા બાદ પાકિસ્તાને જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરની સંપત્તિ જપ્ત કરવાની શરૂઆત કરી દીધી છે. મસૂદ અઝહરના વિદેશ પ્રવાસ પર પણ પાકિસ્તાને પ્રતિબંધ લગાવી દીધો છે. મસૂદ અઝહરને 1 મે ના રોજ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે વૈશ્ચિક આતંકવાદી જાહેર કર્યો હતો. ભારતે આના માટે 10 વર્ષ સુધી કોશીશ કરી હતી અને અલગ અલગ સમયે UNમાં પ્રસ્તાવ આપ્યો હતો. આ પ્રસ્તાવ પાસ થયા બાદ જૈશના વડા મસૂદ અઝહર પર હવે પ્રતિબંધો લાગી ગયા છે તો પાકિસ્તાને પણ પોતાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

પાકિસ્તાન વિદેશ મંત્રાલયે ગુરૂવારે એક જાહેરનામું બહાર પાડીને દેશની સંસ્થાઓને આદેશ આપ્યો છે કે અઝહર સામે રેઝોલ્યુશન 2368 પૂર્ણ રીતે લાગુ કરવામાં આવે. અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે કે મસૂદ અઝહર પર લાગેલા પ્રતિબંધો પૂર્ણ રીતે અમલમાં લાવવામાં આવે. અઝહર પર હથિયારોના વેચાણ કે ખરીદી પર પણ પૂર્ણ રીતે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.