મમતાના ગઢમાં ગાબડુ : બે ટીએમસી અને એક સીપીએમ ધારાસભ્ય ભાજપમાં જોડાયા

  • ૫૦થી વધુ નગરસેવકો ભાજપમાં જોડાયા, ત્રણ ન.પા. પર ભાજપે કબ્જો કર્યો

ન્યુ દિલ્હી,
લોકસભાની ચૂંટણીમાં હાર સાથે મમતા સરકારને મોટો ફટકો લાગ્યો છે. ટીએમસીના બે ધારાસભ્યો, સીપીએમનો એક ધારાસભ્ય અને ૫૦થી વધુ નગરસેવકો ભાજપમાં સામેલ થયા છે. દિલ્હી ખાતે એક પત્રકાર પરિષદમાં ભાજપે આ ત્રણેય ધારાસભ્યો અને નગરસેવકોને આવકાર્યા છે.
ભાજપમાં સામેલ થનારા ટીએમસી ધારાસભ્યોમાં મુકુલ રોયના પુત્ર શુભ્રાંશુ રોય, ટીએમસીના બીજા ધારસભ્ય તુષાર કાંતિ ભટ્ટાચાર્ય, અને સીપીએમના ધારાસભ્ય દેવેન્દ્ર રોયનો પણ સમાવેશ થાય છે.
ભાજપના મહાસચિવ અને પશ્ચિમ બંગાળના પ્રભારી કૈલાશ વિજયવર્ગીય અને બંગાળ ભાજપના નેતા મુકુલ રોયે તેમનો વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો. મુકુલ રોય ૨૦૧૭માં ભાજપમાં સામેલ થયા હતા. તેમના પુત્ર શુભ્રાંશુ રોયને ટીએમસીએ પાર્ટી વિરોધી પ્રવૃતિ બદલ સસ્પેન્ડ કરી દીધા હતા.
જેમ પશ્ચિમ બંગાળમાં સાત તબક્કામાં ચૂંટણી થઈ, તેમ જ ભાજપમાં પણ સાત તબક્કામાં જોઈનિંગ થશે. આજે પહેલો તબક્કો હતો. બાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે ત્રણ ધારાસભ્યો અને ૫૦-૬૦ સભાસદો આજે ભાજપમાં જોડાયા છે. તેમણે કહ્યું કે ભવિષ્યમાં હજુ વધુ જોઈનિંગ થશે.
કાચરાપારા કોર્પોરેશનના ૧૭ કાઉન્સિલર ભાજપમાં સામેલ થયા છે. તેમાં કોર્પોરેશનના ચેરમેન અને વાઈસ ચેરમેન સહિત ૧૭ કાઉન્સિલર સામેલ થાય છે. કુલ ૨૬ કાઉન્સિલરોવાળા આ કોર્પોરેશનના ૧૭ સભ્યો ભાજપમાં સામેલ થયાથી અહીં ભાજપ સત્તામાં આવી ગયો છે. તે ઉપરાંત બે અન્ય કોર્પોરેશન પર ભાજપે કબજો કરી લીધો છે. ત્રણ કોર્પોરેશનના લગભગ ૫૦ કાઉન્સિલરો ભાજપમાં સામલે થાય છે.