મંદી વચ્ચે સરકારે ટ્રાફિક દંડ વધારી લોકોની કમર તોડી નાખી : અમિત ચાવડા

ગુજરાત અને કેન્દ્રની ભાજપ સરકારે કાયદાને બળજબરી અમલ કરાવી સામાન્ય લોકોને ડરાવી દીધા છે…

મોટર વ્હિકલ એક્ટ (૨૦૧૯)નો અમલ આગામી ૧૬ સપ્ટેમ્બરથી થશે. આ કાયદામાં સુધારા કરી સરકારે વિવિધ ગુનાઓ માટે આકરા દંડની જોગવાઇ કરતા સમગ્ર દેશમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. ગુજરાત સરકારે આ કાયદામાં સૂચવેલા દંડનો ઘટાડાની જાહેરાત કરી છે.
કેન્દ્ર સરકારનાં આ કાયદા વિશે ગુજરાત પ્રદેશ કૉગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, આ કાયદા થકી ભાજપ સરકાર સામાન્ય લોકોને ડરાવી રહી છે. કેન્દ્ર સરકારે દંડની જોગવાઇ ઓછી કરવાના બદલે દંડમાં ૪૦૦ થી ૯૦૦ ગણો વધારો કર્યો છે. ટ્રાફિકના નિયમનું અમલીકરણ થવું જોઇએ. પરંતુ જે રીતે ગુજરાત અને કેન્દ્રની ભાજપ સરકારે કાયદાને બળજબરી અમલ કરાવી સામાન્ય લોકોને ડરાવી દીધા છે,”.
ચાવડાએ વધુમાં જણાવ્યું કે, કોઈપણ કાયદો લાવતા પહેલા તે અંગે જાગૃતિ લાવવી જરૂરી છે. રાજ્ય સરકાર એક તરફ ઓછો દંડ લેવાનું કહી રહ્યું છે અને દંડની જોગવાઇમાં રાહતની વાત કરે છે. પરંતુ જૂના કાયદાની સરખામણી નવા કાયદામાં ભાજપ સરકારે ૪૦૦થી ૯૦૦ ટકા વધારો કર્યો છે,”.
પ્રદેશ કૉંગ્રસ પ્રમુખે વધુમા જણાવ્યું કે, એક તરફ સમગ્ર દેશમાં મંદી છે. લોકો નોકરીઓ ગુમાવી રહ્યાં છે અને બીજી તરફ સરકાર સામાન્ય લોકો પર દંડનો કોરડો વીંઝી રહી છે. દંડ વસુલવાની સાથે સાથે સરકારે ટ્રાફિક નિયમન અને યોગ્ય રસ્તાઓ બનાવવા જોઈએ. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂ બેફામ વેચાય છે અને લોકો દારૂ પીને ગાડીઓ ચલાવે છે. કૉગ્રેસ નવા કાયદાનો સખત વિરોધ કરશે”.