‘મંદીનું સંકટ’ : ઓટો બાદ સ્પિનિંગ સેક્ટરમાં પણ મંદી, અનેક લોકો બેરોજગાર થશે…

કોટન યાર્નના ઉત્પાદનમાં ૩૩ ટકાનો ઘટાડો થઇ ચૂક્યો છે…

ન્યુ દિલ્હી,
દેશમાં ઓટો ઈન્ડસ્ટ્રિઝ તો તેના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ જ રહી છે પણ હવે કોટન યાર્ન ઈન્ડસ્ટ્રિઝ પર પણ મોટુ આર્થિક સંકટ આવ્યુ છે. જેના કારણે હજારો લોકો નોકરીઓ ગુમાવી શકે છે.
કોટન યાર્નના ઉત્પાદનમાં ૩૩ ટકાનો ઘટાડો થઈ ચુક્યો છે. જે મિલો ચાલી રહી છે તે પણ નુકસાનનો સામનો કરી રહી છે. આ જ પ્રકારનુ સંકટ ૨૦૧૦-૧૧માં પણ જોવા મળ્યુ હતુ.
આ ઈડસ્ટ્રિ સાથે સંકળાયેલા લોકોનુ કહેવુ છે કે, રાજ્ય અને કેન્દ્ર સરકારના જીએસટી તેમજ બીજા ટેક્સના કારણે ભારતીય યાર્ન વૈશ્વિસ સ્તરે સ્પર્ધા કરી શકે તેવી સ્થિતિ જ રહી નથી. યાર્નની નિકાસમાં ગત વર્ષની સરખામણીએ ૩૪ ટકાનો ઘટાડો થયો છે.
આ ઈન્ડસ્ટ્રીના કારણે સીધી અથવા આડકતરી રીતે ૧૦ કરોડ લોકોને રોજગાર મળે છે. કૃષિ ક્ષેત્ર બાદ આ જ ઈન્ડસ્ટ્રી સૌથી વધારે રોજકારી આપે છે. આ સંકટ વધારે ઘેરૂ બન્યુ તો હજારો લોકો રોજગારી ગુમાવશે. નોર્ધન ઈન્ડિયા ટેક્સટાઈલ મિલ એસોસિએશને તો સરકાર સમક્ષ તાત્કાલિક પગલા ભરવા માટે માગં કરી છે.
ભારતીય મિલોને રો મટિરિયલ માટે ઉંચી કિંમત ચુકવવી પડી રહી છે. જેના કારણે પ્રતિ કિલો ૨૦ થી ૨૫ રૂપિયા નુકસાન થઈ રહ્યુ છે. આ સિવાય શ્રીલંકા, બાંગ્લાદેશ જેવા દેશોનુ કાપડ સસ્તુ હોવાથી નિકાસ પર પણ ફટકો પડી રહ્યો છે.
મિલોની માંદી હાલતના કારણે કપાસની ખરીદી પર પણ અસર પડશે. જો આ જ હાલત રહી તો આગામી સિઝનમાં ૮૦,૦૦૦ કરોડના કપાસની ખરીદી કરનાર પણ કોઈ નહી હોય.