ભારત બંધને લઈને રાજ્યભરમાં 144 લાગૂ, SRPની ટુકડી સ્ટેડ બાય પર : DGP

સુરત : ખેડુત સંગઠનોએ આપેલા ભારત બંધના એલાનને લઈને રાજ્યની પોલીસ સતર્ક થઈ ચુકી છે. આ અંગે DGPએ પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી છે. આવતીકાલે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. જો કોઈ વ્યક્તિ કાયદો અને વ્યવસ્થાનું ઉલ્લંઘન કરશે તો તેની સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લાની બોર્ડર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

ગુજરાતમાં કલમ 144 લાગૂ કરવામાં આવી છે. કાલે 4થી વધુ લોકો એકઠાં નહિં થઈ શકે. જો કોઈ વ્યક્તિ રસ્તો બંધ કરવાનો પ્રયત્ન કરશે તો તેની સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યમાં કાયદો અને કડક વ્યવસ્થા જાળવી રાખવા પૂરતો બંદોબસ્ત કરવાની તેમજ રાજ્યના તમામ જિલ્લાના એન્ટ્રી પોઇન્ટ પર પોલીસ તૈનાત રહેશે.

ગુજરાતમાં લાગુ કરવામાં આવેલા રાત્રિ કર્ફયૂનો આજે છેલ્લો દિવસ હતો. જો કે આજે ડીજીપી આશીષ ભાટિયાએ કરેલી પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યના ચાર મહાનગરોમાં નાઈટ કર્ફ્યૂ લંબાવવાનો નિર્ણય કર્યો છે. જ્યાં સુધી નવો આદેશ ન આવે ત્યાં સુધી વડોદરા, અમદાવાદ, સુરત અને રાજકોટમાં નાઈટ કર્ફ્યૂ અમલી રહેશે.