ભારત-પાક. મેચની ટિકિટો અધધધ… ૮૭ હજારમાં વેચાઈ રહી છે…!!

  • સૌથી વધારે ટિકિટો માટે માથાકૂટ ભારત-પાકિસ્તાન વચ્ચે ૧૬ જૂનનાં રોજ થનારી મેચને લઇને જોવા મળી રહી છે.
  • આઈસીસી અને મેચોની ટિકિટ વેચનારી તેમની પાર્ટનર વેબસાઈટ ટિકિટ માસ્ટર ભારત-પાકિસ્તાન મેચની ૨૦ હજાર ૬૬૮ રૂપિયાની કિંમતવાળી ટિકિટ હવે ૮૭ હજાર ૫૧૦ રૂપિયામાં દર્શકોને વેચી રહી છે

લંડન,
વિશ્વ કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે થનારી મેચની ટિકિટોની કિંમતમાં જોરદાર વધારો થયો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો દર્શકો કાગડોળે ઇંતઝાર કરી રહ્યા છે. દર્શકો ભારત-પાકિસ્તાનની મેચ સ્ટેડિયમમાં જોવા માટે કોઈપણ કિંમત આપવા તૈયાર છે. આઈસીસી અને મેચોની ટિકિટ વેચનારી તેમની પાર્ટનર વેબસાઈટ ટિકિટ માસ્ટર ભારત-પાકિસ્તાન મેચની ૨૦ હજાર ૬૬૮ રૂપિયાની કિંમતવાળી ટિકિટ હવે ૮૭ હજાર ૫૧૦ રૂપિયામાં દર્શકોને વેચી રહી છે.
આઈસીસીને પહેલાથી જ ખબર હતી કે ભારત-પાકિસ્તાનની વચ્ચે થનારી મેચ તેમની કમાણી માટે સુવર્ણ તક છે. આ માટે તેણે પ્લેટિનમ અને બ્રૉન્ઝ કેટેગરીની ટિકિટોની કિંમત જબરદસ્ત રીતે વધારી દીધી છે. આ મેચની દીવાનગી ફેન્સને એટલી છે કે તેઓ કોઈપણ રીતે આ મેચ સ્ટેડિયમમાં બેસીને જોવા ઇચ્છે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચોની ટિકિટની કિંમત યજમાન ઇંગ્લેન્ડની મેચો કરતા પણ વધારે છે.
સૌથી વધારે ટિકિટો માટે માથાકૂટ ભારત-પાકિસ્તાન વચ્ચે ૧૬ જૂનનાં રોજ થનારી મેચને લઇને જોવા મળી રહી છે. લંડનનાં લૉડ્‌ર્સ મેદાન પર રમાનારી વિશ્વ કપ ફાઇનલની મેચોની ટિકિટની કિંમતો પણ ઘણી છે. લગભગ ૧૭ હજાર રૂપિયાની ટિકિટની કિંમત વધીને ૧.૫ લાખ પહોંચી ગઈ છે.