ભારત ઈતિહાસ રચવા તૈયાર : સોમવારે ચંદ્રયાન-૨નું લોન્ચીંગ

મિશન મુનનું કાઉન્ટડાઉન શરૂઃ સપ્ટેમ્બરમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર લેન્ડીંગ કરશેઃ ચંદ્રની સપાટી પર લેન્ડીંગ કરનાર અમેરિકા, રૂસ અને ચીન બાદ ભારત ચોથો દેશ બનશે

નવી દિલ્હી,

ઈસરો દ્વારા ૧૫મીએ ચંદ્રયાન-૨નું લોન્ચીંગ કરવામાં આવશે. જે અંગેની તમામ તૈયારીઓ લગભગ પુરી થઈ ગઈ છે. ચંદ્રયાન-૨ ભારતનું બીજુ મુન મિશન છે. પહેલીવાર ભારત ચંદ્રમાંની સપાટી પર લેન્ડર અને રોવર ઉતારશે. ત્યાં ચંદ્રયાન-૨ ચંદ્રમાની સપાટી, વાતાવરણ, વિકીરણ અને તાપમાનનો અભ્યાસ કરશે. આને તૈયાર કરવામાં લગભગ ૧૧ વર્ષ લાગ્યા છે. આપણા વૈજ્ઞાનિકોએ આ માટે ઘણી મહેનત કરી છે. ઈસરોના કહેવા મુજબ ૬ સપ્ટેમ્બરે ચંદ્રમાના સાઉથ પોલ પર ચંદ્રયાન-૨ ઉતરશે. ૧૫મી જુલાઈએ સવારે ૨.૫૧ કલાકે જીએસએલવી એમકે-૩ ચંદ્રયાન-૨ને લઈને ચંદ્ર તરફ આગળ વધશે. ખાસ વાત એ છે કે ચંદ્રયાન-૨ ચંદ્રના દક્ષિણ ભાગ પર લેન્ડ કરશે. એ સાથે જ ભારત ચંદ્રની સપાટી પર લેન્ડીંગ કરનાર ચોથો દેશ બની જશે. આ પહેલા અમેરિકા, રૂસ અને ચીન પોતાના યાનોને ચંદ્રની સપાટી પર મોકલી ચૂકયા છે. અત્યાર સુધી કોઈપણ દેશે ચંદ્રમાંના દક્ષિણ ધ્રુવની પાસે યાન નથી ઉતાર્યુ. સાથોસાથ આ એવુ પહેલુ મિશન છે જેની કમાન બે મહિલાઓ પાસે છે. આ મિશન સંપૂર્ણ સ્વદેશી છે જેને ઈસરોએ તૈયાર કર્યુ છે.