ભારતે મસૂદ અઝહર, દાઉદ ઈબ્રાહીમ અને હાફિઝ સઈદ આતંકી જાહેર…

મોદી સરકારે યૂએપીએ કાયદા અંતર્ગત મોટી કાર્યવાહી કરી,તમામ વિરૂદ્ધ રેડ કોર્નર નોટીસ પણ ફટકારવામાં આવી…

ન્યુ દિલ્હી,
મોદી સરકારે ગેરકાયદેસરની ગતિવિધિ સંશોધન કાયદા (યૂએપીએ) અંતર્ગત મૌલાના મસૂદ અઝહર, દાઉદ ઇબ્રાહિમ, ઝાકી-ઉર-રહમાન લખવી અને હાફિઝ સઈદને આતંકવાદી જાહેર કર્યા છે. આ તમામ સામે રેડ કૉર્નર નોટિસ જાહેર કરવામાં આવી છે. જૈશ-એ-મોહમ્મદનાં હેડ મસૂદ અઝહર પર ભારતમાં ૫ આતંકવાદી હુમલાને અંજામ આપવાનો આરોપ છે. આ જ વર્ષે મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રિય આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો.
UAPAમાં કેટલાક બદલાવ કરવામાં આવ્યા હતા. જુલાઈમાં સંસદમાં આ બિલને પાસ કરવામાં આવ્યું હતુ. નવી જોગવાઈઓ પ્રમાણે વ્યક્તિગત રીતે પણ કોઈને આતંકવાદી જાહેર કરવામાં આવી શકે છે. આ પહેલા ફક્ત આતંકવાદી સંગઠનોને જ આતંકવાદી જાહેર કરવામાં આવતા હતા. હવે આમનું નામ આ યાદીમાં આવ્યા બાદ આતંકવાદી પણ વ્યક્તિગત રીતે યાદીમાં સામેલ થશે. આવનારા દિવસોમાં ઘણા અન્ય કુખ્યાત નામો આ યાદીમાં જોડાશે.
યાદીમાં પહેલા નંબરે પુલવામા હુમલાનાં માસ્ટરમાઇન્ડ મસૂદ અઝહરને રાખવામાં આવ્યો છે. ત્યારબાદ આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાનાં હેડ અને મુંબઈ હુમલાનાં માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદને બીજા નંબરે રાખવામાં આવ્યો છે. ત્રીજા નંબર પર માફિયા ડૉન દાઉદ ઇબ્રાહિમનું નામ છે, જે પાકિસ્તાનનાં કરાચીમાં રહે છે તેવા સમાચારો અનેકવાર સામે આવી ગયા છે. આતંકવાદી ઝાકી-ઉર-રહમાન લખવીને પણ આ લિસ્ટમાં રાખવામાં આવ્યો છે. ગેરકાયદેસર ગતિવિધિઓને રોકવા માટેનાં ેંછઁછ કાયદાને હાલમાં જ સંસદમાં પાસ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્ર તરફથી મસૂદ અઝહર અને હાફિઝ સઈદને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવામાં આવી ચુક્યા છે.

શું છે UAPA એક્ટ?
UAPAમાં કોઇ વ્યક્તિ વિશેષને ક્યારે આતંકવાદી જાહેર કરવામાં આવશે તેની જોગવાઈઓ છે. આનાં અંતર્ગત કોઈ વ્યક્તિ આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપે છે અથવા ભાગ લે છે તો તેને આતંકવાદી જાહેર કરવામાં આવી શકે છે. આ કાયદામાં પહેલું અમેડમેન્ટ ૨૦૦૪નાં અંતમાં આવ્યું હતુ, જ્યારે યૂપીએ સરકાર હતી. બીજુ સંશોધન ૨૦૦૮માં અને ત્રીજુ અમેડમેન્ટ ૨૦૧૩માં આવ્યું હતુ. ગૃહ મંત્રી અમિત શાહે કાયદા વિશે કહ્યું હતુ કે કોઈ જો આતંકવાદને મદદ કરે છે, ધન પુરુ પાડે છે, આતંકવાદનાં સાહિત્યનો પ્રચાર-પ્રસાર કરે છે અથવા આતંકવાદની થીએરી યુવાઓનાં મગજમાં ઉતારવાનો પ્રયત્ન કરે છે, તેને આતંકવાદી જાહેર કરવામાં આવશે.