ભારતીય સેના માટે પાકિસ્તાન-ચીન બોર્ડર પર બનશે ટનલ

assettype.com

ભારતીય સેનાએ પાકિસ્તાન અને ચીનની સરહદે ગોળા-બારૂદ અને અન્ય હથિયારો મૂકવાં માટે ચાર ટનલ બનાવવાનો નિર્ણય કર્યો છે. સેનાએ ગુરૂવારે નેશનલ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન લિમિટેડ સાથે કરાર કર્યો હતો. આ ટનલ બનાવવા માટે 2 વર્ષનો સમય લાગશે અને 15 કરોડનો ખર્ચ થશે. અનુમાન પ્રમાણે આમાં લગભગ 800 મેટ્રીક ટન ગોળા-બારૂદ ભરી શકાશે.

ભારતીય સેનાના સૂત્રો પ્રમાણે આ પાયલટ પ્રોજેક્ટ હેઠળ ભારત-ચીન સીમા પર ત્રણ ટનલ બનાવવામાં આવશે. એક ટનલ પાકિસ્તાન સરહદ પર બનશે. આ યોજનાનો ઉદ્દેશ ચીન અને પાકિસ્તાન સીમા પર ભારતીય સેનાની ક્ષમતાને વધારવાનો છે. ઊંચાઇ પર સ્થિત હોવાના કારણે આ સીમાઓ પર ભારે હથિયારો લઇ જવામાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને ભારતીય સેનાએ આ નિર્ણય લીધો છે. આ ટનલ બન્યા બાદ સેના ગોળા-બારૂદ અને સાથે અન્ય હથિયાર રાખી શકશે. એક ટનલમાં લગભગ 200 મેટ્રીક ટન ગોળા-બારૂદ સ્ટોર કરી શકાશે.

સૂત્રો પ્રમાણે, ભારત લાંબા સમયથી આ બંને સીમાઓ પર ટનલ બનાવવાનો વિચાર કરી રહ્યું હતું. આ ટનલ બની ગયા બાદ ભારતીય સેનાએ હથિયારોને સરહદ સુધી પહોંચાડવામાં પડતી તકલીફો દૂર થશે અને સરળતાથી આ ટનલોમાં પોતાના હથિયાર સ્ટોર કરી શકશે અને યુદ્ધના સમયમાં સેનાને તરત ગોળા-બારૂદ પર્યાપ્ત માત્રામાં મળી રહેશે. આનાથી સેનાની તાકતમાં વધારો થશે. સાથે જ દુશ્મનના હુમલા દરમિયાન પોતાના હથિયારોને પણ રક્ષણ આપવામાં સરળતા રહેશે.