ભારતીય ટીમના કોચ માટે ગાંગુલીએ આ પૂર્વ ખેલાડીને દાવેદાર ગણાવ્યો

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું માનવું છે કે , રિકી પોન્ટિંગ ભારતીય ટીમના આગામી કોચ પદ માટે પ્રબળ દાવેદાર છે. તેમનું કહેવું છે કે પોન્ટિંગમાં એ બધા ગૂણ છે કે એક કોચમાં હોવા જોઇએ. ઉલ્લેખનીય છે કે હાલ IPL માં રિકી પોન્ટિંગ મુખ્ય કોચ તરીકે સેવા આપી રહ્યાં છે જ્યારે સૌરવ ગાંગુલી ટીમના સલાહકાર છે, આ બંનેના માર્ગદર્શન હેઠળ દિલ્હીની ટીમ 2012 બાદ પહેલી વખત IPL પ્લેઓફમાં પહોંચવામાં સફળ થઇ છે. દિલ્હી આ વખતે ટેબલમાં સૌથી ઉપર છે. બુધવારે ચેન્નઇ સામે થનારી મેચ પહેલા સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે, પોન્ટિંગે ટીમ અને ખેલાડીઓ સાથે સારું કામ કર્યું છે.

સૌરવ ગાંગુલીને જ્યારે પૂછવામાં આવ્યું કે શું રિકી પોન્ટિંગ ભારતીય ટીમના કોચ બની શકે છે? તો જવાબમાં ગાંગુલીએ કહ્યું કે, જો તમે શાખની વાત કરતા હો તો તે એક પ્રબળ દાવેદાર છે પરંતુ તે માટે તમારા પોન્ટિંગને પૂછવું જોઇએ કે શું તેઓ 8-9 મહિના પોતાના ઘરથી દૂર રહેવા તૈયાર છે?

ગાંગુલી, સચિન અને લક્ષ્મણ BCCI ની એક સલાહકાર સમિતિના સભ્યો છે જે ભારતીય ટીમ માટે કોચની પસંદગી કરે છે. દિલ્હી માટે પોન્ટિંગ સાથે કામ કરવાના અનુભવ અંગે ગાંગુલીએ કહ્યું કે, એ સમય વીતી ગયો જ્યારે અમે મેદાન પર એકબીજાનો વિરોધ કરતા હતા, હવે અમે સારાં મિત્રો છે. વીતેલા કેટલાક વર્ષોમાં અમારા સંબંધો વધુ મજબૂત થયા છે.