ભારતમાં કોરોનાની સ્થિતિ વણસતા પીએમ મોદીએ બોલાવી હાઈલેવલ મિટિંગ…

11

ન્યુ દિલ્હી : દેશમાં વધી રહેલા કોરોનાના કેસોને લઈને પીએમ મોદી આ સમયે એક હાઈ લેવલ મિટિંગ કરી રહ્યા છે. આ બેઠકમાં કોરોના સાથે સંકળાયેલા મુદ્દા અને રસિકરણ અંગે ચર્ચા ચાલી રહી છે. કેબિનેટ સચિવ, પીએમના મુખ્ય સચિવ, સ્વાસ્થ્ય સચિવ અને ડોક્ટર વિનોદ પોલ પણ હાજર છે.
ભારતમાં રવિવારે કોરોનાના ૯૩,૨૪૯ નવા કેસ સામે આવ્યા હતા જે આ વર્ષે એક દિવસમાં સામે આવેલા સૌથી વધુ કેસ છે. આ સાથે જ દેશમાં કુલ કેસની સંખ્યા ૧,૨૪,૮૫,૫૦૯ થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સવારે ૮ વાગ્યા સુધીમાં જાહેર કરેલા આંકડા મુજબ ૧૮ સપ્ટેમ્બર બાદથી કોરોના વાઈરસ સંક્રમણના આ એક દિવસમાં આવેલા સૌથી વધુ કેસ છે. ૧૮ સપ્ટેમ્બરના રોજ કોરોનાના ૯૩,૩૩૭ કેસ સામે આવ્યા હતા. આંકડા પ્રમાણે રવિવારે કોરોનાના કારણે ૫૧૩ લોકોના મોત થયા હતા અને હાલમાં ભારતમાં કોરોનાના કારણે મોતને ભેટેલા લોકોની કુસ સંખ્યા ૧,૬૪,૬૨૩ થઈ ગઈ છે.
મંત્રાલયે જણાવ્યું કે, સંક્રમણના મામલે સતત ૨૫માં દિવસે વધારો થઈ રહ્યો છે. દેશમાં હજુ પણ ૬,૯૧,૫૯૭ દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા છે અને જે સંક્રમણના કુલ કેસનાં ૫.૫૪ ટકા છે. સાજા થનારા લોકોની ટકાવારી ૯૩.૧૪ ટકા છે. દેશમાં ૧૨ ફેબ્રુઆરીના રોજ સૌથી ઓછા ૧,૩૫,૯૨૬ લોકો સંક્રમિત હતા જે કુલ કેસના ૧.૨૫ ટકા હતા. આંકડા અનુસાર આ બીમારીથી અત્યાર સુધીમાં ૧,૧૬,૨૯,૨૮૯ લોકો સાજા થયા છે જ્યારે મૃત્યુદર ૧.૩૨ ટકા છે.
ભારતમાં કોરોનાના કેસો ૭ ઓગસ્ટે ૨૦ને પાર પહોંચી ગયા હતા. ત્યાર બાદ સંક્રમણના કેસ ૨૩ ઓગસ્ટના રોજ ૩૦ લાખ, પાંચ સપ્ટેમ્બરના રોજ ૪૦ લાખ અને ૧૬ સપ્ટેમ્બરના રોજ ૫૦ લાખની પાર પહોંચી ગયા હતા. વૈશ્વિક મહામારીના કેસ ૨૮ સપ્ટેમ્બરના રોજ ૬૦ લાખ, ૧૧ ઓક્ટોબરના રોજ ૭૦ લાખ, ૨૯ ઓક્ટોબરના રોજ ૮૦ લાખ, ૨૦ નવેમ્બરના રોજ ૯૦ લાખ અને ૧૯ ડિસેમ્બરના રોજ એક કરોડને પાર કરી ગયા હતા.