ભારતના 66% સ્માર્ટફોન માર્કેટ પર ચાઈનીઝ કંપનીઓનો કબજો

ભારતીય સ્માર્ટફોન બજારમાં ચીનની કંપનીઓનો કબ્જો વધી રહ્યો છે. સ્માર્ટફોન બનાવનારી ચીનની કંપનીઓએ 2019ના પહેલા ત્રણ મહિનામાં ભારતીય માર્કેટમાં પોતાનો દબદબો વધાર્યો છે. એક રિપોર્ટ અનુસાર, ભારતમાં ટોપ 5 સ્માર્ટફોન કંપનીઓમાંથી 4 ચાઈનીઝ બ્રાન્ડ્સ છે. ચીનની મોબાઈલ કંપનીઓએ છેલ્લાં ત્રણ મહિનામાં 66 ટકા બજાર હિસ્સેદારી પર કબ્જો જમાવી લીધો છે. ભારતના સ્માર્ટફોન માર્કેટમાં ચીનની મોબાઈલ કંપની Xiaomiની બજારમાં હિસ્સેદારી 29 ટકા રહી. માર્કેટ શેરના મામલામાં Xiaomi ટોપ પર રહી છે. આ આંકડા 2019ના પહેલા ત્રણ મહિનાના છે. 2018ના પહેલા ત્રણ મહિનામાં Xiaomiની બજારમાં હિસ્સેદારી 31 ટકા હતી.

રિસર્ચ અનુસાર, ભારતના સ્માર્ટફોન માર્કેટમાં ચીનની કંપની Vivoની બજારમાં હિસ્સેદારી ઝડપથી વધી રહી છે. Vivoની હિસ્સેદારી 2019ના પહેલા ત્રણ મહિનામાં વધીને 12 ટકા પર પહોંચી ગઈ છે, જે 2018ના પહેલા ત્રણ મહિનામાં માત્ર 6 ટકા હતી. ચીનની કંપની Realmeએ પણ ભારતના ખૂબ જ પ્રતિસ્પર્ધી માર્કેટમાં 7 ટકા બજાર હિસ્સેદારી હાંસલ કરી લીધી છે. તેમજ 2019ના પહેલા ત્રણ મહિનામાં Oppoનું માર્કેટ શેર પણ 6 ટકાથી વધીને 7 ટકા પર પહોંચી ગયું.

ભારતના સ્માર્ટફોન માર્કેટમાં દક્ષિણ કોરિયાની કંપની Samsungની બજાર હિસ્સેદારી 2019ના પહેલા ત્રણ મહિનામાં 23 ટકા રહી છે. 2018ના પહેલા ત્રણ મહિનામાં Samsungની બજાર હિસ્સેદારી 26 ટકા હતી. જોકે, ફીચર ફોન માર્કેટમાં Samsungની બજાર હિસ્સેદારી 10 ટકાથી વધીને 15 ટકા પર પહોંચી ગઈ છે. 2019ના પહેલા ત્રણ મહિનામાં ફીચર ફોન માર્કેટમાં Reliance Jioની હિસ્સેદારી સૌથી વધુ 30 ટકા રહી. ફીચર ફોન માર્કેટમાં ઘરેલું કંપની Lavaની બજારમાં હિસ્સેદારી 6 ટકાથી વધીને 13 ટકા પર પહોંચી ગઈ. તેમજ ફીચર ફોન માર્કેટમાં Nokiaના માર્કેટ શેર 7 ટકાથી વધીને 8 ટકા પર પહોંચી ગયા.