ભાજપ સાંસદ સ્મૃતિ ઇરાની અમેઠીમાં પોતાનું શાનદાર ઘર બનાવશે…!

નામદાર લોકો અહીંથી સાંસદ બન્યા પણ પાંચ વર્ષ સુધી લાપતા રહ્યા : સ્મૃતિ

ન્યુ દિલ્હી,
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની લોકસભા ચૂંટણીમાં અમેઠીથી મળેલી શાનદાર જીત બાદ પોતાના સંસદીય ક્ષેત્ર પહોંચી હતી. તેઓએ આ દરમિયાન એવી ઘોષણા કરી કે, જેની ચર્ચા ચારેબાજુ થઈ રહી છે. તેઓએ એલાન કર્યું કે, તે અમેઠીમાં પોતાનું ઘર બનાવશે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ૧૫ વર્ષ સુધી સાંસદ રહ્યા હતા, પણ તેઓએ ક્યારેય પણ અહીં પોતાનું ઘર બનાવ્યું ન હતું.

સ્મૃતિ ઈરાનીએ અમેઠીમાં ઘર બનાવવાની ઘોષણા ઉત્તર પ્રદેશના ડિપ્ટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યની ઉપસ્થિતિમાં કરી હતી. કેન્દ્રીય મંત્રીએ ગૌરીગંજમાં પોતાના ઘર માટે પ્લોટ પણ જોઈ રાખ્યો છે. તેઓએ કહ્યું કે, અમેછીમાં હવે મારું સ્થાયી ઘર હશે, અને તે બધા માટે ખુલ્લુ રહેશે. હવે, હું અહીંની મહેમાન નહીં રહું.

સ્મૃતિ ઈરાનીએ અમેઠીના બે દિવસીય પ્રવાસ પર છે. અહીં પહેલા દિવસે જનસભાને સંબોધતાં તેમણે રાહુલ ગાંધીને આડે હાથ લીધા હતા. તેઓએ કહ્યું કે, નામદાર લોકો અહીંથી સાંસદ બન્યા બાદ પાંચ વર્ષ સુધી લાપતા રહે છે. અમેઠીની જનતા દીવોલઈને અહીંથી દિલ્હી સુધી તેમને શોધતી હતી, છતાં તેઓ મળતાં ન હતા. અમેઠીની જનતાના નિર્ણયનો પડઘો સમગ્ર દુનિયામાં સંભળાયો છે. અમેઠીની જનતાએ નામદારે વિદાય આપી વિકાસને પસંદ કર્યો છે. હું તમારી ઈમાનદારીથી સેવા કરીશ.