ભાજપ મમતાને ‘જય શ્રીરામ’ લખેલાં ૧૦ લાખ પોસ્ટકાર્ડ મોકલશે…

કોલકાત્તા,
ભાજપ પ.બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીને ‘જય શ્રીરામ’ લખેલાં ૧૦ લાખ પોસ્ટકાર્ડ મોકલશે, એમ પક્ષના નેતાએ કહ્યું હતું. ભાજપનો આ નિર્ણય લોકસભાની ચૂંટણીમાં કરેલા ખરાબ દેખાવ બાદ તૃણમૂલ કૉંગ્રેસના ઘા પર મીઠું ભભરાવવાનું કામ કરશે.
નવા ચૂંટાઈ આવેલા સાંસદ અર્જુન સિંહે સમાચારસંસ્થાને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે અમે ‘જય શ્રીરામ’ લખેલાં ૧૦ લાખ પોસ્ટકાર્ડ મમતા બેનરજીના નિવાસસ્થાને મોકલવાનો નિર્ણય લીધો છે. તૃણમૂલ કૉંગ્રેસના નેતાઓએ જ્યાં બેઠક યોજી હતી તે ઈમારતની બહાર પ્રદર્શન અને ‘જય શ્રીરામ’નો સૂત્રોચ્ચાર કરી રહેલા ભાજપના કાર્યકર્તાઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો બાદ અગાઉ તૃણમૂલ કૉંગ્રેસના ધારાસભ્ય રહેલા અને લોકસભાની ચૂંટણી અગાઉ જ ભાજપમાં જોડાયેલા સિંહે ઉપરોક્ત નિવેદન કર્યું હતું.
તૃણમૂલ કૉંગ્રેસના સૂત્રોના જણાવ્યાનુસાર ભાજપના કાર્યકર્તાઓએ કબજે કરેલા કતિત કાર્યાલયને ફરી હસ્તગત કરવાનો વ્યૂહ ઘડી કાઢવા તૃણમૂલ કૉંગ્રેસના નેતાઓ ઉત્તર ૨૪ પરગણા જિલ્લાનાં કાન્ચરાપારામાં એકઠા થયા હતા. કાન્ચરાપારા સિંહના બારાકપોરા સંસદીય મતદારક્ષેત્રમાં આવે છે.