ભાજપમાં ટિકિટ મુદ્દે ‘કહી ખુશી કહીં ગમ’ : ભાજપે ૧૪૨માંથી ફક્ત ૩૬ કોર્પોરેટરોને જ રિપિટ કર્યા…

32

ભાજપ કાર્યાલયમાં ટિકિટ મુદ્દે વિરોધ, ૫૦૦ કાર્યકરોની રાજીનામાંની ધમકી, ડેમેજ કંટ્રોલ કરવા મંત્રી પ્રદીપસિંહ જાડેજા કાર્યાલય દોડ્યા…

અમે તમામ જોડે વન ટુ વન બેસીને ચર્ચા કરી છે : આઈ.કે.જાડેજા

અમદાવાદ : ભાજપે ૬ મહાનગરપાલિકાની ચૂંટણી માટે તમામ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે, જેમાં અમદાવાદમાં પણ ઉમેદવારોની યાદીમાં નવા ચહેરા જોવા મળ્યા છે. એને લઈને વહેલી સવારથી ભાજપના નારાજ કાર્યકરો ખાનપુર કાર્યાલય ખાતે રજૂઆત કરવા એકઠા થયા છે.

ભાજપે 6 મનપાના 575 ઉમેદવારો જાહેર કર્યાં છે. જેમાં અમદાવાદના 48 વોર્ડના 192, વડોદરાના 19 વોર્ડના 76, સુરતના 30 વોર્ડના 119, જામનગરના 16 વોર્ડના 64, ભાવનગરના 13 વોર્ડના 52, રાજકોટના 18 વોર્ડના 72 ઉમેદવારો જાહેર કરાયા છે.

રાજયની સૌથી મોટી મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડે ૧૯૨ ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેમાં ગત ટર્મનાં ૧૪૨ કોર્પોરેટરોમાંથી ફક્ત ૩૬ કોર્પોરેટરો ઉપર ફરી કળશ ઢોળી તેમને ટિકિટ આપી છે અને બાકીનાંને ક્રાઇટેરીયા મુજબ પડતા મુકતાં ૧૦૬ જેટલાં કોર્પોરેટરો અને તેમનાં સમર્થકોમાં સન્નાટો ફેલાઇ જવા પામ્યો છે.

શહેર ભાજપનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર, પાર્લામેન્ટરી બોર્ડે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરતાં પહેલાં જ ત્રણ ટર્મ, ૬૦ વર્ષથી વધુ ઉંમર અને સગાવાદ નહિ એમ ત્રણ ક્રાઇટેરીયા જાહેર કરી દીધા હતા, તેનાં પગલે સિનિયર અને ઉંમરલાયક કોર્પોરેટરોમાં દોડધામ મચી ગઇ હતી, પરંતુ ભાજપ મોવડીમંડળે આજે ૧૯૨ ઉમેદવારોની યાદી જાહેર કરી તેમાં મોટાભાગે નિયમોનુ પાલન કરવાનો પ્રયાસ કર્યો છે, બે ચાર કિસ્સામાં નિયમ ઢીલા કરવામાં આવ્યા હોવાનુ જણાય છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, તમામ વોર્ડમાં જ્ઞાતિ સહિતનાં સમીકરણો ધ્યાને લઇને ઉમેદવારોની પસંદગી કરવાનુ કાર્ય કપરૂ પૂરવાર થયુ અને તેના કારણે કેટલીક જગ્યાએ ક્રાઇટેરીયા લાગુ ન પડતાં હોય તેમ છતાં વર્તમાન કોર્પોરેટરને પડતા મુકવા પડયાં છે.