ભલભલા દેશોને ધ્રુજાવતી ઇઝરાયલની આર્મીમાં ગુજરાતી મૂળની દીકરીની પસંદગી

વિશ્વના કોઈપણ ખૂણે ગુજરાતી વસે તો તે ત્યાં ગુજરાતનું નામ રોશન કરે જ છે. ત્યારે એક ગુજરાતીએ ઇઝરાયલમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. જે દેશની આર્મીથી આતંકવાદી અને ભલભલા દેશો ધ્રુજી ઉઠે છે તે ઇઝરાયલની આર્મીમાં ગુજરાતીની દીકરીનું સિલેક્શન થયું છે.

ઉલ્લેખનીય છે કે, ઇઝરાયલમાં ગુજરાતના 45 પરિવાર વસવાટ કરે છે. ત્યારે આ 45 પરિવારમાંથી ગુજરાતનું મુલ્યાશિયા પરિવાર છેલ્લા 30 વર્ષથી ઇઝરાયલમાં વસવાટ કરે છે. જેથી તેમને ઇઝરાયલનું નાગરિકત્વ પ્રાપ્ત થયું છે એટલા માટે મુલ્યાશિયા પરિવારની દીકરી નિશા ઇઝરાયલ આર્મીમાં સેવા આપી શકશે. ઇઝરાયલના કાયદા અનુસાર ઇઝરાયલના નાગરિકો જ આર્મીમાં જોડાઈ શકે છે. જ્યારે ઇઝરાયલમાં બાળકો 16 વર્ષના થાય છે, ત્યારે તેમને મિલેટ્રીની ફરજિયાત ટ્રેનિંગ આપવામાં આવે છે.

નિશા મુલ્યાશિયાના પિતા જીવાભાઈએ જણાવ્યું હતું કે, મારી પુત્રી નિશા મુલ્યાશિયા મેં મહિનામાં ઇઝરાયલ આર્મીના ઇન્ફોર્મેશન વિભાગમાં જોડાશે.

નિશા મુલ્યાશિયાએ જણાવ્યું હતુ કે, મારે મેડિકલમાં આગળ વધવાની ઈચ્છા છે. પરંતુ આર્મીમાં જોડાવાની પણ ખુશી છે. આર્મીનું શિસ્ત જીવન ઘણું શીખવાડે છે.