ભરતી નહિ તો વોટ નહિ : શિક્ષિત બેરોજગારોના મુદ્દા લઇને ઘણા વિસ્તારોમાં બેનર લગાવાયા…

28

સુરત : મહાનગરપાલિકાની ચૂંટણીમાં દરેક વિસ્તારમાં પોતાની માંગણીઓ સાથે બેનર લાગી રહ્યા છે. સુરતમાં શિક્ષિત બેરોજગારોના મુદ્દા લઇને અલગ-અલગ વિસ્તારોમાં ભરતી નહીં તો વોટ પણ નહીંના બેનર લગાવવામાં આવ્યા છે બેનરમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાજ્યના લાખોની સંખ્યામાં શિક્ષિત બેરાજ બેરોજગારો માટે જવાબદાર કોણ છે? રાજ્ય સરકાર ઉપર સીધા આક્ષેપ કરતાં બેનરો લગાડવામાં આવ્યા છે. બેનરમાં રાજ્યમાં ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક અસરથી વિદ્યાર્થીઓને શિક્ષિત બેરોજગારોને લેવા માટે પરીક્ષાની તારીખો જાહેર કરવાની વાત કરવામાં આવી છે.
જે પરીક્ષાઓ લેવાઇ ગઇ છે અને ઉમેદવારે તમામ પ્રક્રિયા પૂર્ણ કરી છે તેમણે ઝડપથી નોકરીનો ઓર્ડર આપવામાં આવે એ પ્રકારની માગ કરવામાં આવી છે. સરકારે કેટલીક એવી જગ્યાઓ કે જેમાં ઉમેદવારે પરીક્ષા પાસ કરીને તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે છતાં પણ તેમને હજી સુધી નોકરી પર હાજર થવા માટે સરકારે હુકમ કર્યો નથી. તેને લઈને પણ ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. યુવા શિક્ષિત બેરોજગારો દ્વારા ભરતી નહીં તો મત નહીંના બેનર શહેરના વિવિધ વિસ્તારોમાં લગાડીને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.
રાજ્યભરમાં છેલ્લા કેટલાક સમયથી શિક્ષિત બેરોજગાર યુવાનો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યા હતા. દરમિયાન વિદ્યાર્થીઓ અને બેરોજગાર યુવકો ઉપર જે કેસ દાખલ કરવામાં આવ્યા છે. તેને પરત લેવા માટે માગ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, વરાછા, કતારગામ, કાપોદ્રા, યોગીચોક, મોટા વરાછા સહિતના વિસ્તારમાં બેનરો લગાવવામાં આવ્યા છે.