બોલીવુડ સિંગર અદનાન સામી પર સરકારે ૫૦ લાખનો દંડ ફટકાર્યો…

મુંબઈમાં ફ્લેટ્‌સ અને પાર્કિગની જગ્યા ખરીદવા મામલે સરકારે જાણીતા સિંગર અદનાન સામી પર ૫૦ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. હકીકતમાં વર્ષ ૨૦૦૩માં પાકિસ્તાની નાગરિકતા હોવા છતાં મુંબઈમાં ફ્લેટ અને પાર્કિંગ સ્પેસ ખરીદવા બદલ આ દંડ ફટકારવામાં આવ્યો છે. જોકે, આ દંડ સિંગર માટે રાહતની વાત છે કારણ કે, આ અગાઉ ઈડીએ અદનાનની કરોડોની પ્રૉપર્ટી જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો, જેને ૧૨ સપ્ટેમ્બરે ટ્રિબ્યૂનલ કોર્ટ ફગાવી દીધો હતો.
મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર, ૨૦૦૩માં અદનાન સામીએ મુંબઈમાં ૮ ફ્લેટ્‌સ અને ૫ પાર્કિંસ સ્પેસ ખરીદ્યા હતા. તે સમયે તેની પાસે પાકિસ્તાની નાગરિકતા હતી. આ પ્રૉપર્ટીઝને ખરીદવાની જાણકારી અદનાને આરબીઆઈને આપી નહતી જે નિયમોનું ઉલ્લંઘન ગણાય. વાસ્તવમાં ભારતીય કાયદા પ્રમાણે જો કોઈ વ્યક્તિ બહારના દેશનો નાગરિક હોય અને તે ભારતમાં પ્રૉપર્ટી લે અથવા કોઈ પ્રકારનું રોકાણ કરે તો તેની સૂચના તેણે આરબીઆઈને આપવી ફરજીયાત હોય છે.
અદનાન સામી દ્વારા આ વિશે સૂચના ન આપવાની વાત ખબર પડ્યાં બાદ ફૉરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત ઈડીએ સિંગર પર વર્ષ ૨૦૧૦માં ૨૦ લાખ રૂપિયાનો દંડ લગાવી પ્રૉપર્ટી સીઝ કરી દીધી હતી. આની વિરુદ્ધ અદનાને ટ્રિબ્યૂનલ કોર્ટમાં અપીલ કરી હતી. હવે આના પર ૧૨ સપ્ટેમ્બરે ટ્રિબ્યૂનલનો નિર્ણય આવ્યો છે.