બેરોજગારી મુદ્દે મોદી સરકારને હેરાન કરી દેનારા આંકડા CMIEએ જાહેર કર્યા

ભારતમાં એપ્રિલમાં બેરોજગારી દર વધીને 7.61 %  પર પહોંચ્યો છે જે ઓક્ટોબર 2016 બાદ સૌથી વધારે છે, માર્ચમાં બેરોજગારી દર 6.7 % રહ્યો હતો. સેન્ટર ફોર મોનિટેરિંગ ઇન્ડિયન ઇકોનોમીએ આ આંકડાઓની જાણકારી આપી છે.

CMIE ના આંકડા અનુસાર, માર્ચમાં ઓછી બેરોજગારીનો દરનો ટ્રેન્ડ થોડો અલગ હતો, પરંતુ એપ્રિલમાં તે ફરી એક વખત ઉપર ચઢ્યો છે. આ આંકડા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પરેશાન કરી શકે છે. દેશમાં બેરોજગારીના મુદ્દે પહેલેથી જ વિપક્ષ મોદી સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યું છે ત્યારે હજી ત્રણ તબક્કાનું મતદાન બાકી છે ત્યારે વિપક્ષને સરકારને ઘેરવાનો વધુ એક મોકો હાથ લાગ્યો છે. સરકારે નોકરીઓના આંકડાનો રિપોર્ટ રોકી દીધો છે અને ચૂંટણી પ્રચારમાં પણ સરકારે આ મુદ્દાને શાંત રાખવા માટેના પ્રયાસો કર્યા છે.

સામાન્ય રીતે બેરોજગારીના આંકડા દર પાંચ વર્ષે જાહેર કરવામાં આવે છે,પરંતુ ડિસેમ્બરમાં કેટલાક આંકડા લીક થયા હતા કે 2017-18માં છેલ્લા 45 વર્ષની સૌથી વધારે બેરોજગારી છે. સરકાર કહી ચૂકી છે વર્ષમાં એક વાર બેરોજગારીના આંકડા બહાર પાડવામાં આવશે. CMIE ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નોટબંધી પછી 2018 સુધી 1.10 કરોડ લોકોએ પોતાનો રોજગાર ગુમાવ્યો છે.