બુરખા પર પ્રતિબંધ મૂકતા પહેલા ઘૂંઘટ પર પ્રતિબંધ લગાવોઃ જાવેદ અખ્તર

લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે કહ્યું કે, જો ભારતમાં બુરખા પર પ્રતિબંધ લાગે તો કેન્દ્ર સરકાર રાજસ્થાનમાં મતદાન પહેલા ઘૂંઘટ પર પ્રતિબંધ લગાવે. તેમણે કહ્યું હતું કે, BJP કદાચ મજબૂરીમાં સાધ્વી પ્રજ્ઞાને ભોપાલ સીટ પર પોતાની ઉમેદવાર બનાવી. અખ્તરે BJPના રાજમાં લોકતંત્ર પર સવાલ ઉઠાવ્યા. કહ્યું- BJPની આ વિચારધારા છે કે જો તમે અમારી સાથે નથી, તો તમે એન્ટી નેશનલ છો. અખ્તરે કહ્યું- 2019ની ચૂંટણી દેશ માટે મહત્ત્વપૂર્ણ છે. આ ચૂંટણી નક્કી કરશે કે દેશ કયા રસ્તા પર જઈ રહ્યો છે. ઘણા મોદી આવશે અને ચાલ્યા જશે, દેશ છે અને રહેશે.

તેમણે કહ્યું કે, પ્રજ્ઞા સિંહને BJPએ ચૂંટણી મેદાનમાં ઉતારીને હાર સ્વીકારી લીધી છે. સાધ્વીના શાપથી એક દેશભક્ત શહિદ થઈ શકતો હોય તો તેમણે એવો શાપ હાફિઝ સઈદ અને અન્ય આતંકીઓને પણ આપવો જોઈએ.

આ ઉપરાંત, દેશમાં શ્રીલંકાની જેમ બુરખા પર બેન અંગે થઈ રહેલી માગને લઈને તેમણે કહ્યું હતું કે, શ્રીલંકામાં બુરખા પર પ્રતિબંધ નથી લાગ્યો, પરંતુ ત્યાં ચહેરો ઢાંકવા પર પ્રતિબંધ લાગ્યો છે. જો ભારતમાં બુરખા પર પ્રતિબંધ લાગે તો કેન્દ્ર સરકાર રાજસ્થાનમાં મતદાન પહેલા ઘૂંઘટ પર પ્રતિબંધ લગાવે.

આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, હું રાહુલ ગાંધીને વડાપ્રધાનના રૂપમાં નથી જોતો અને ચોકીદાર ચોર હૈ જેવી ભાષાનું સમર્થન પણ નથી કરતો. વડાપ્રધાન મોદી અને પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ બંને જ પસંદ નથી. આ વખતે BJPની સરકાર નથી બની રહી.