બિડેન સરકારે H1-B વિઝા પર પૂર્વ સરકારની નીતિઓને હટાવી…

10

બિડેનના નિર્ણયથી ભારતીય આઇટી પ્રોફેશનલ્સને મોટી રાહતના સંકેત…

૩૧ ડિસેમ્બર સુધી એચ-૧બી વિઝા ઇશ્યૂ કરવામાં લોટરી સિસ્ટમ યથાવત્‌ રાખવાની ભલામણ હતી…

USA : અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બિડેનના નેતૃત્વવાળી સરકારે એચ-૧બી વિઝા પર પૂર્વ ટ્રમ્પ સરકારની નીતિઓને હાલ પૂરતી ટાળવાનો નિર્ણય લીધો છે. જેની સાથે ૩૧ ડિસેમ્બર સુધી એચ-૧બી વિઝા ઇશ્યુ કરવામાં લોટરી સિસ્ટમ યથાવત રાખવાની ભલામણ પણ કરી હતી. જો બિડેન પ્રશાસનના આ નિર્ણયથી ભારતીય આઇટી પ્રોફેશનલ્સને મોટી રાહત મળે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારતીયોમાં એચ-૧બી વિઝા ખૂબ જ લોકપ્રિય છે.
વિતેલા વર્ષની શરુઆતમાં જ ટ્રમ્પ પ્રશાસને એચ-૧બી વિઝાને લઇને નવી નીતિઓ અમલમાં લાવવાનુ એલાન કર્યુ હતું. જે હેઠળ લોટરી સિસ્ટમને ખતમ કરવાની સાથે પગાર અને મેરિટના આધારે વિઝા આપવાનુ નક્કી કર્યું હતું. ટ્રમ્પ સરકારના આ નિર્ણયને લીધે ભારતીયો માટે કપરી સ્થિતિ ઉભી થઇ હોવાનું માનવામાં આવતુ હતું.
યુનાઇટેડ સ્ટેટ્‌સ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસએ એના એક નિવેદનમાં જાહેર કર્યું હતું કે ટ્રમ્પ કાળમાં નવા નિયમોને ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ સુધી હટાવી લેવામાં આવ્યા છે. આ નિયમોનો નવ માર્ચથી અમલમાં લાવવામાં આવશે. યુએસસીઆઇએસનું કહેવુ હતું કે બિડેન સરકારના નિર્ણયથી એચ૧બી વીઝા પ્રક્રિયાને સુઘડ બનાવવામાં મદદ મળશે.
ઉલ્લેખનીય છે કે ૨૦ જાન્યુઆરીએ અમેરિકાના ૪૬માં રાષ્ટ્રપતિ બનેલા જો બિડેન એ ચૂંટણી પ્રચાર દરમિયાન વચન આપ્યું હતું કે તેઓ એચ૧બી વીઝા પર લાગેલા પ્રતિબંધોને ખતમ કરશે, તેમણે ટ્રમ્પ નીતિઓને ક્રૂર ગણાવી હતી.
અમેરિકામાં સત્તામાં આવ્યા બાદ વર્ષ ૨૦૧૭માં ડોનાલ્ડ ટ્રમ્પે વર્ક વીઝાના નિયમોને કડક કર્યા હતા. તેમણે કોરોના મહામારીને લીધે એચ૧બી સહિત અલગ-અલગ પ્રકારના વર્ક વીઝા પર ૩૧ માર્ચ સુધી પ્રતિબંધ લંબાવ્યો હતો. એચ-૧બી વિઝા ભારતીય આઇટી પ્રોફેશનલ્સમાં લોકપ્રિય છે. જેના આધારે અમેરિકન કંપનીઓ હાઇ સ્કિલ્ડ વિદેશી નાગરિકોને નોકરી આપે છે. દર વર્ષે અલગ-અલગ પ્રકારના ૮૫ હજાર વિઝા ઇશ્યુ કરવામાં આવે છે. આ વિઝાનો સમયગાળો ૩ વર્ષનો હોય છે.

  • Nilesh Patel