બાવળા હત્યાકેસઃ રાજ્ય સરકાર મૃતક યુવતીના પરિવારને ૮.૨૫ લાખની સહાય કરશે

બાવળા હત્યાકેસમાં રાજ્ય સરકાર મૃતક મિત્તલ જાદવના પરિવારને ૮.૨૫ લાખ સહાય કરશે. જેના પ્રથમ તબક્કે ૪.૧૨ લાખની સહાય સોમવારે ૧૩મેના રોજ ચૂકવી દેવા સામાજિક ન્યાય અધિકારીતા વિભાગને આદેશ કરવામાં આવ્યો છે. આ હત્યાકેસમાં પોલીસે મુખ્ય આરોપી કેતન વાઘેલા અને તેના સાથી ધનરાજ અને શ્રવણની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
બાવળામાં સ્ટેશન રોડ પર બુધવારે સાંજે જાહેર માર્ગ પર એકતરફી પ્રેમમાં યુવાને યુવતી છરાના ૪ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી. યુવતીનાં ૨૬ મેએ લગ્ન લેવાનાં હતાં ત્યાં જ હિચકારી ઘટના બનતાં પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું. પોલીસે હત્યારા યુવાનના ૨ મિત્રને ઝડપી લીધા છે જ્યારે છરીના ઘા ઝીંકનારા યુવાનને અમદાવાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સુરેન્દ્રનગર પોલીસે ગુરુવારે સુરેન્દ્રનગરથી ઝડપી લીધો હતો.