બાજરીના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં ખૂશીનો માહોલ

ગુજરાતમાં સૌથી વધારે બાજરીનું વાવેતર બનાસકાંઠામાં થાય છે અને બનાસકાંઠામાં ડીસા તાલુકો બાજરીના વાવેતરમાં સૌથી અગ્રેસર સ્થાને આવે છે. બાજરીનું વધારે ઉત્પાદન તો થાય છે પરંતુ દર વર્ષે ખેડૂતોને પાકના ભાવ વધારે મળતા નથી. ત્યારે આ વર્ષે ચોમાસામાં ગુજરાતમાં ઓછો વરસાદ પડવાના કારણે ઘણા ખેડૂતો શિયાળુ પાક કે, ઉનાળુ પાકનું વાવેતર કરી શક્યા નથી.

આ કારણે જ બનાસકાંઠામાં બાજરીનું વાવેતર ઓછું થયું છે, ઓછા વાવેતરના અને ઉત્પાદનના કારણે બજારમાં બાજરીની માંગણી વધી છે. માંગની સામે બાજરીનો જથ્થો ઓછો હોવાના કારણે બાજરીના ભાવ આસમાને પહોંચ્યા છે. બજારમાં એક મણ ઘઉંના ભાવ 400 છે, તેની સામે બાજરીના ભાવ 450 રૂપિયા છે. બાજરીના પાકનું વાવેતર કરવા માટે વધારે પાણીની જરૂરીયાત પડે છે અને આ વર્ષે પાણી ઓછું હતું જેના કારણે ડીસા અને બનાસકાંઠામાં બાજરીનું ઓછું વાવેતર થયું છે. ઓછા વાવેતરના કારણે બાજરી પકવતા ખેડૂતોને બાજરીની સારી આવક મળી રહેશે.

ઉલ્લેખનીય છે કે, બાજરીના પાકમાં છેલ્લા ત્રણ વર્ષથી સતત ઘટાડો થતો આવે છે, છેલ્લા ત્રણ વર્ષની આંકડાકીય માહિતી અનુસાર વર્ષ 2016-17માં 1,53,393 હેક્ટર બાજરીનું વાવેતર થયું હતુ. 2017-18માં 1,44,982 હેક્ટરમાં બાજરીનું વાવેતર થયું હતુ. 2018-19માં 1,40,474 હેક્ટરમાં બાજરીનું વાવેતર થયું હતુ. સતત ઘટતા જતા વાવેતરના કારણે બાજરીની માગમાં વધારો થશે જેના કારણે બાજરી પકવતા ખેડૂતોને સારી એવી આવક પણ મળશે, જેના કારણે ખેડૂતોમાં ખૂશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ખેડૂતોએ મીડિયા સાથે વાતીચિત કરતા જણાવ્યું હતું કે, આ વર્ષે ઓછા વરસાદના કારણે પાણી ઓછું હતું અને જેના કારણે બાજરીનું વાવેતર ઓછું થયું હતું, જેના કારણે માર્કેટમાં બાજરીના ભાવ સારા છે. એટલે આ વર્ષે બાજરીમાં ખેડૂતોને વળતર સારું મળશે.