બાઇક અને બે કાર વચ્ચે ત્રિપલ અકસ્માતઃ ત્રણનાં મોત

પાલનપુર-અંબાજી રોડ પર રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર એક બાઇક અને બે કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બાળક સહિત કુલ ત્રણ વ્યકિતનાં કરુણ મોત નીપજતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. અકસ્માતના બનાવના પગલે હાઇવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો અને લોકોનાં ટોળેટોળાં ઘટનાસ્થળે ઊમટી પડ્યાં હતાં.
એક માસૂમ બાળક સહિત ત્રણનાં મોતને લઇ સ્થાનિકોમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા લોકોને પાલનપુર સિવિલ હોસ્પટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ પાલનપુર-અંબાજી રોડ પર ફોર લેન બનાવવાનું કામ હાલ ચાલી  છે. છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા આ કામને લઇ આ હાઇવે પર અવારનવાર અકસ્માતની ઘટનાઓ નોંધાતી રહે છે.
પરંતુ તંત્ર દ્વારા તે પરત્વે ગંભીર દુર્લક્ષ સેવવામાં આવી  છે, જેના પરિણામે આ હાઇવે પર રતનપુર ગામ પાસે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. ગમખ્વાર એવા આ અકસ્માતમાં એક માસૂમ બાળક સહિત કુલ ત્રણ વ્યકિતનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં, જયારે અન્ય લોકોને ગંભીર ઇજા પહોંચી હતી.