બહેનની છેડતી કર્યાની બાબતે ૪ લોકોએ યુવકને મોતને ઘાટ ઉતાર્યો…

આણંદ પાસેના ત્રણોલ ગામમાં બહેનની છેડતી અંગેની રીસ રાખીને ૨૧ વર્ષીય યુવકને બુધવારે રાત્રિના ૪ શખ્સોએ માર મારી ત્રણોલ સ્થિત મોટી નહેરના નાળામાં નાંખી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બનાવ સંદર્ભે મૃતકના મામાએ ખંભોળજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી ૪ શખ્સની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.
વડોદરાના બ્રાહ્મણગામ સ્થિત પટેલ ફળિયામાં ચંદ્રસિંહ પરમાર રહે છે. તેમણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ત્રણોલ ગામે તેમની બહેન કવિતાબેન રહે છે. તેમને સંતાનમાં સંજય ઉર્ફે લીહો તેનાથી નાની દીકરી કોમલ અને નાનો દીકરો અક્ષય છે. ગુરુવારે સવારે તેમના ભાણેજ જમાઈ નરેશકુમારનો તેમના પર ફોન આવ્યો હતો અને જણાવ્યું કે, સંજયની ગામના ૪ શખ્સોએ હત્યા કરી નાંખી છે. તેથી તેઓ ત્રણોલ ગામે આવી પહોંચ્યા હતા. જેમાં તેમના કુટુંબી ભત્રીજા વિજયે તેમને સમગ્ર હકીકત જણાવી હતી. વિજયે જણાવ્યું કે, બુધવારે રાત્રે તેઓ દેવપુરા દૂધની ડેરી પાસે હતા.
એ વખતે ફૂલન પરમારની બહેન ત્યાંથી નીકળી હતી અને તેણે તું કેમ મારું નામ લે છે તેમ કહીં તેને ઠપકો આપ્યો હતો. જેને કારણે ત્યાં હાજર સુજન પરમાર, ભરત પરમાર, ફૂલન પરમાર અને ધમો પરમાર ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમણે તેની સાથે બોલાચાલી કરી સંજયને માર માર્યો હતો. જોકે, એ સમયે વિજયે તેમને વધુ માર મારમાંથી બચાવ્યો હતો અને તેમને ઘરે લઈ ગયો હતો. દરમિયાન, રાત્રિના ફરી સંજય કોઈની બાઈક પર બેસી નીકળ્યો હતો. જોકે, તે મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. સવારમાં સાડા છ કલાકે ગામમાંથી ત્રણોલ વાંટા સ્થિત નાની નહેર પાસેના નાળામાં સંજયનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં પરિવારજનો તુરંત જ ત્યાં પહોંચી ગયા હતા. બનાવ સંદર્ભે ચંદ્રસિંહ ધના પરમાર ૪ જણાં વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવતા ખંભોળજ પોલીસે ગુનો નોંધી ૪ શખ્સની ધરપકડ કરી હતી.