બનાસકાંઠાના ધાનેરામાં અંગત અદાવતમાં માસુમ બાળકને આગ ચાપી દેવાઇ

બનાસકાંઠાના ધાનેરાના ભાઠીબા ગામે એક હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે, અહીં જૂની અદાવતમાં એક જૂથના લોકોએ ઘરની બહાર સૂઇ રહેલા લોકોને આગ ચાપી દેવામાં આવી હતી. આ ઘટનામાં ત્રણ લોકોને સામાન્ય ઇજાઓ થઇ હતી પરંતુ એક બાળક ગંભીર રીતે દાઝ્યો હોવાના અહેવાલ મળ્યા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે આ ગામમાં બે જ્ઞાતિના લોકો વચ્ચે એક જૂનો ઝગડો ચાલી રહ્યો હતો અને આ ઝગડાના ભાગરૂપે જ કોઇક શખ્સે રાત્રે ઘરની બહાર સૂઇ રહેલા પરિવારના સભ્યોને આગ ચાપી હતી. આ જૂની અદાવતમાં હવે માસુમ બાળક ભોગ બન્યું છે. બાળકને ગંભીર હાલતમાં પહેલા ધાનેરા હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જો કે ધાનેરા હોસ્પિટલમાં તેની તબિયત કથડતા તેને પાલનપુર સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યો હતો. પીડિત પરિવારે સામેના પક્ષ પર કેસ દાખલ કર્યો છે અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

સૂત્રો અનુસાર , લાંબા સમયથી ગામના બે જ્ઞાતિઓ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો અને બંને સમુદાયો કોઇકને કોઇક રીતે એકબીજાને નુકસાન પહોંચાડવાની કોશીશ કરતા હતા,પરંતુ આ જૂની અદાવતમાં હવે માસુમ બાળક ભોગ બન્યું છે અને બાળક ગંભીર રૂપે દાઝ્યું છે.