ફૂલ સ્પીડમાં જઈ રહેલી કાર પલટી ખાતા ૪ લોકોનાં મોત

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર કાર પલટી ખાતા ૪ લોકોનાં મોત નીપજતા અરેરાટી ફેલાઇ ગઇ છે. આ કાર મહારાષ્ટ પાસિંગની છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર કાર પલટી ખાઇ ગઇ હતી. જેમાં ઘટનાસ્થળે જ તેમાં સવાર ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. આ અકસ્માત નડિયાદથી ૩ કિમીનાં અંતરે જ બની હતી. તેઓ અમદાવાદ તરફ આવી રહ્યાં હતાં.
ગમખ્વાર અકસ્માત સર્જાતા આસપાસનાં લોકો અને વાહનો ચાલકો ઘટનાસ્થળે ભેગા થઇ ગયા હતાં. અકસ્માતની જાણ થતાંની સાથે જ ૧૦૮ને બોલાવવામાં આવી હતી પરંતુ ચારેયનાં મોત ઘટનાસ્થળે જ નીપજ્યાં હતાં. તેમના મૃતદેહોને સિવિલ હોસ્પટલમાં લઇ જવામાં આવ્યાં છે. આસપાસનાં લોકોનાં કહેવા પ્રમાણે કાર ફૂલ સ્પીડમાં હશે જેને કારણે તે પલટી ગઇ છે. પોલીસે હાલ આ અકસ્માતમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસે આ ચારેયનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યાં છે. આ મૃતકો કોણ છે અને ક્્યાં જઇ રહ્યાં હતાં તે અંગે તપાસ થઇ રહી છે.