ફાયર એનઓસી મેળવવા આણંદ ફાયર વિભાગમાં દોડાદોડ : કેટલાક સ્થળોએ તપાસ શરૂ…

  • આણંદ જિલ્લામાં કલાસીસોના પાર્ટીશનમાં પ્લાયવુડ કે પ્લાસ્ટીકનો ઉપયોગ…

આણંદ,

આણંદ જિલ્લામાં પણ ટયુશન કલાસીસ, મોલ, સિનેમાગૃહ સહિતના સ્થળોએ ફાયર સીસ્ટમ ઇન્સ્પેકશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં અનેકો ટયુશન કલાસીસને ફાયર સેફટીના અભાવે ચોકકસ સમય દરમ્યાન બંધ કરાયા હતા. જેથી ફાયર એનઓસી મેળવવા આણંદ ફાયર વિભાગમાં દોડાદોડ મચી જવા પામી હતી.

આ સમગ્ર પ્રક્રિયા સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસ રાહે હાલના તબકકે શકય ન હોવાથી જે-તે નગરપાલિકા વિસ્તારમાં ચીફ ઓફિસરોને ટયુશન કલાસીસ, રીડિંગ લાયબ્રેરી સહિતની જગ્યાઓમાં ચેકીંગ કરીને ફાયર એનઓસી આપવાની સત્તા અપાઇ છે. જેના કારણે શહેરી વિસ્તારોમાં ફાયર સીસ્ટમ લગાવ્યા પછી લટકી પડેલી એનઓસી મંજૂરીનો માર્ગ હવે ખુલ્લો થશે. જેથી ખાસ કરીને ટયુશન કલાસીસ સંચાલકોને થોડી હળવાશ થઇ છે સુરતની ઘટના બાદ ફાયર સેફટી ફરજિયાત કરાતા પાલિકાઓ ફાયર એનઓસી માટેની અરજીઓ સ્ટેટ ફાયર વિભાગમાં મોકલી રહી છે. હવે એક જ સ્ટેટ ફાયર કચેરીએથી રાજયમાં દરેક જગ્યાએ ઇન્પેકશન કરવું હાલમાં શકય ન હોવાથી મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા નિર્ણય લેવાયો છે. ટયુશન કલાસીસ માટે ફાયર એનઓસી મેળવવા મુખ્ય મુદ્દાઓ પણ જણાવાયા છે. પરંતુ તે પૈકીના કેટલાક મુદ્દાઓમાં કલાસિસોને એનઓસી મળવી મુશ્કેલ છે. કારણ કે આણંદના ઘણાખરા કલાસીસોના પાર્ટીશનમાં પ્લાયવુડ કે પ્લાસ્ટીકનો ઉપયોગ થયેલો છે.

બહાર નીકળવાના રસ્તા સીધા નથી તો કયાંક નિયમસરની પહોળાઇ મુજબના રસ્તા નથી. વળી રહેણાંક ઘરોમાં ચાલતા ટયુશન કલાસીસને કોર્મશિયલ કરાવવાની પળોજણ મુશ્કેલભરી બની રહેશેની સંભાવના વ્યકત થઇ રહી છે.