પ્રિયંકા ગાંધીનો BJP પર ગંભીર આરોપ, અમેઠીમાં ચૂંટણી જીતવા કરી રહી છે આ કામ

લોકસભા ચૂંટણીના આ માહોલમાં દરેક પાર્ટીના નેતાઓ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યાં છે. દરમિયાન કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ભારતીય જનતા પાર્ટી પર અમેઠીમાં પૈસા વહેંચવાનો આરોપ મૂક્યો હતો. પ્રિયંકાએ પત્રકારોને જણાવ્યું હતું કે, “BJPના લોકો અમેઠીમાં ચૂંટણી જીતવા માટે લોકોને પૈસા, સાડીઓ અને જૂતા વહેંચી રહ્યા છે. ચૂંટણી જીતવાની આ એક અયોગ્ય રીત છે. હું 12 વર્ષની હતી ત્યારથી અહીં આવી રહી છું. અમેઠી અને રાયબરેલી લોકોના આત્મસન્માન છે. અહીંના લોકોએ ક્યારેય કોઈ ભીખ માંગવાની માગણી કરી નથી.

અમેઠીમાં રાહુલ ગાંધીના પ્રચાર માટે આવેલા પ્રિયંકા ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર અમેઠી સાથે પક્ષપાત રાખવાનો પણ આરોપ લગાવ્યો હતો.

પ્રિયંકા ગાંધીએ કહ્યું, “અમે શિક્ષણ, રોજગાર અને આરોગ્યના મુદ્દાઓ પર ચૂંટણી લડી રહ્યા છીએ. રાષ્ટ્રવાદ એ દેશના લોકોની સમસ્યાઓ દૂર કરવા માટે હોય છે, પરંતુ BJPના લોકો લોકોની વાત સાંભળતા નથી. જ્યારે પણ જનતા કોઈ મુદ્દો ઉઠાવશે ત્યારે BJP સરકાર લોકોને દબાવી દે છે. ઉત્તર પ્રદેશના અમેઠીમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી મોદી સરકારના મંત્રી સ્મૃતિ ઇરાનીના પડકારનો સામનો કરી રહ્યા છે. પ્રિયંકા ગાંધીએ પૂર્વી ઉત્તરપ્રદેશના પ્રભારી બન્યા બાદ સતત આ વિસ્તારમાં કોંગ્રેસના પક્ષમાં માહોલ બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યાં છે. અમેઠીમાં પાંચમાં ચરણમાં 6મે ના રોજ મતદાન યોજાશે.