પ્રિયંકા ગાંધીના રોડ શોને કારણે જામમાં ફસાઈ ગઈ એમ્બ્યુલન્સ, મહિલાનું મોત

લોકસભા ઈલેક્શન 2019 માટે ઉત્તર પ્રદેશમાં પ્રિયંકા ગાંધીના એક રોડ શો દરમિયાન કથિતરીતે ટ્રાફિક જામમાં ફસાવાને કારણે એક મહિલાનું મોત થયું છે. ઘટના રાજ્યના લખીમપુર ખીરીની છે. અહીંની ધૌરાહરા લોકસભા સીટ પર કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વી ઉત્તર પ્રદેશની પ્રભારી પ્રિયંકા ગાંધી રોડ શો કરી રહી છે. કોંગ્રેસ ઉમેદવાર જિતિન પ્રસાદના સમર્થનમાં થયેલા આ રોડશો દરમિયાન રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ બની ગઈ, જેમાં એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ. એમ્બ્યુલન્સમાં મહિલા દર્દીને સારવાર માટે લઈ જવામાં આવી રહી હતી, પરિવારજનોનું માનવું છે કે, એમ્બ્યુલન્સ સમય પર હોસ્પિટલ પહોંચી જતે તો મહિલાનો જીવ બચી જતે.

મૃતક મહિલાનું નામ લખીમપુર ખીરી જિલ્લાના અજીતપુરના વતની 62 વર્ષીય રામકલી હતું. રવિવાર (28 એપ્રિલ)ના રોજ તેમને છાતીમાં દુઃખાવાની ફરિયાદ બાદ કમ્યુનિટી હેલ્થ સેન્ટર લઈ જવામાં આવી રહ્યા હતા. રસ્તામાં રોડ શોને કારણે આશરે 1 કલાક સુધી એમ્બ્યુલન્સ જામમાં ફસાઈ રહી. હોસ્પિટલ પહોંચતા જ રામકલીનું મૃત્યુ થઈ ગયું. ત્યારબાદ પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે, જામને કારણે તેમનું મોત થયું છે.

રાજકીય કાર્યક્રમોના જામમાં ફસાવાને પગલે જીવ જવાનો આ પહેલો કિસ્સો નથી. પહેલા પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચુકી છે. સતત સભાઓના દબાણને કારણે પ્રશાસનની સામે પણ યાતાયાતની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવી એ મુશ્કેલ કાર્ય બની જાય છે. તેમજ ચૂંટણી રેલીમાં વાહનોની વધુ પડતી સંખ્યા પણ ટ્રાફિક જામનું મોટું કારણ બને છે.