પ્રતિબંધ દરમિયાન મંદિર જવા પર ચૂંટણી પંચે સાધ્વી પ્રજ્ઞાને નોટિસ આપી

મધ્ય પ્રદેશની ભોપાલ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરને આજે ત્રણ દિવસ બાદ પ્રચાર માટેની મંજૂરી મળી છે પરંતુ તેમને ચૂંટણી પંચે એક નોટિસ પણ ફટકારી છે. ચૂંટણી પ્રચારના પ્રતિબંધ દરમિયાન સાધ્વી પ્રજ્ઞા સતત મંદિર જતા હતા અને ભજન-કિર્તન કરતા હતા જેને લઇને ચૂંટણી પંચે સાધ્વી પ્રજ્ઞાને નોટિસ આપી છે.

સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર ગુરૂવારે સવારે 6 વાગ્યે 72 કલાક સુધીનો ચૂંટણી પ્રચારનો પ્રતિબંધ લગાવ્યો હતો. આ પ્રતિબંધ બાદ સાધ્વી પ્રજ્ઞાએ કોઇ પ્રકારનો ચૂંટણી પ્રચાર તો કર્યો ન હતો પરંતુ તેઓ આ દરમિયાન સતત મંદિર જઇને ભજન-કિર્તન કરતા નજર આવ્યાં હતા. શુક્રવારે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે 6 મંદિરોમાં દર્શન કર્યા હતા અને આશીર્વાદ લીધા હતા. મંદિર દર્શન દરમિયાન તેમને અન્ય ભક્તો સાથે ઢોલકની સાથે ભજનો પણ ગાયા હતા. મંદિર દર્શનનો આ કાર્યક્રમ શુક્રવારે સવારે જૈન મંદિરથી શરૂ થઇને બપોર સુધી ચાલ્યો હતો.

સાધ્વી પ્રજ્ઞાના આ મંદિર દર્શનની ફરિયાદ કોંગ્રેસે ચૂંટણી પંચને કરી હતી. કોંગ્રેસની ફરિયાદ બાદ ચૂંટણી પંચે સાધ્વી પ્રજ્ઞાને નોટિસ ફટકારી હતી. આ મામલે સાધ્વી પ્રજ્ઞાના જવાબ આવ્યાં પછી ચૂંટણી પંચ નિર્ણય લેશે.