પોલીસને ગેરમાર્ગે દોરવા સ્કૂલ બેગમાં દારૂની હેરાફેરીના મામલે બે ઝડપાયા…

વડોદરા ક્રાઇમ બ્રાંચે મામલાનો પર્દાફાશ કર્યો : પોલીસને ગેરમાર્ગે દોરવા માટે આરોપી દ્વારા સ્કૂલ બેગનો ઉપયોગ…

અમદાવાદ,

વડોદરામાં સ્કૂલ બેગમાં દારૂની હેરાફેરી કરવાના ખતરનાક ષડયંત્રનો પર્દાફાશ થતાં ભારે ચકચાર મચી ગઇ હતી. વડોદરા ક્રાઇમ બ્રાંચે સ્કૂલ બેગમાં છૂપાવીને લઇ જવાઇ રહેલા દારૂના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમની તપાસમાં આ પર્દાફાશ થયો હતો. ક્રાઇમ બ્રાંચે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

જો કે, આરોપીઓ પોલીસને શક ના જાય અને પોલીસ ગેરમાર્ગે દોરાય તે હેતુથી સ્કૂલ બેગમાં દારૂની હેરાફેરી કરતાં હતા પરંતુ રંગેહાથ ઝડપાઇ ગયા હતા. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરા ક્રાઇમ બ્રાંચને માહિતી મળી હતી કે, વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા અશ્વિન ચૌહાણે મંગાવેલા ઇંગ્લીશ દારૂને લઇને લીમખેડાથી બે શખ્સ વડોદરા આવવાના છે. જેના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે પંડ્યા બ્રિજ પાસેથી રૂ.૯, ૫૦૦ રૂપિયાની કિંમતના વિદેશી દારૂ સાથે કલ્પેશ મનુભાઇ નીનામા (રહે, નાનીવાવ, તા. લીમખેડા, જિ.દાહોદ) અને સંજય મથુરભાઇ ડામોર (રહે, ધાનપુર, તા. લીમખેડા જિ.દાહોદ)ને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને આરોપીની પૂછપરછ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે હવે આ સમગ્ર કૌભાંડમાં અન્ય કોણ કોણ આરોપીઓ સંડોવાયેલા છે અને સ્કૂલ બેગ મારફતે અત્યારસુધીમાં દારૂની કેટલી ખેપ મરાઇ અથવા કોને કોને ડિલીવરી કરાઇ તે સહિતના મુુદ્દાઓની તપાસ આરંભી છે. આગામી દિવસોમાં આ સમગ્ર પ્રકરણમાં મહત્વની વિગતોનો ખુલાસો થાય તેવી પણ શકયતા છે.