પેટ્રોલ-ડીઝલના ભાવ વધારી સરકારે ૧૮ લાખ કરોડ વસુલ્યા : સોનિયા ગાંધી

સરકાર જનતાની મજબૂરીનો ફાયદો ઉઠાવી નફાખોરી કરે છે…

ન્યુ દિલ્હી : પેટ્રોલ અને ડીઝલની કિંમતોને લઈને આજે કોંગ્રેસ સમગ્ર દેશમાં પ્રદર્શન કરી રહ્યુ છે. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો પર મોદી સરકાર પર નિશાન સાધ્યુ અને કહ્યુ કે પેટ્રોલ-ડીઝલ પર ૧૨ વખત એક્સાઈઝ ડ્યુટી વધારીને મોદી સરકારે ૧૮ લાખ કરોડ રૂપિયા વધારે વસૂલ્યા છે.
સોનિયા ગાંધીએ કહ્યુ કે એક તરફ કોરોના મહામારીનો કહેર અને બીજી બાજુ મોંઘા પેટ્રોલ-ડીઝલની મારને દેશવાસીઓનું જીવવાનું મુશ્કેલ કરી દીધુ છે. આજે દેશની રાજધાની દિલ્હી અને અન્ય મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો ૮૦ રૂપિયા પ્રતિ લિટરને પણ પાર કરી ગઈ છે. લૉકડાઉન બાદ મોદી સરકારે ૨૨ વખત પેટ્રોલ-ડીઝલની કિંમતો વધારી છે.
સોનિયા ગાંધીએ કહ્યુ કે પેટ્રોલ-ડીઝલના ભાવ તે સમયે વધારવામાં આવી રહ્યા છે જ્યારે કાચા તેલની કિંમતો આંતરરાષ્ટ્રીય બજારમાં ઓછી થઈ રહી છે. ૨૦૧૪ બાદ મોદી સરકારે જનતાને કાચા તેલની ઘટતી કિંમતોનો ફાયદો આપવાને બદલે પેટ્રોલ-ડીઝલ પર ૧૨ વાર એક્સાઈઝ ડ્યુટી વધારીને મોદી સરકારે ૧૮ લાખ કરોડ રૂપિયા વધારે વસૂલ્યા છે.
સોનિયા ગાંધીએ કહ્યુ કે સરકારની જવાબદારી એ છે કે મુશ્કેલ સમયમાં દેશવાસીઓનો સહારો બને. તેમની મુસીબતનો ફાયદો ઉઠાવીને નફાખોરી ના કરે. પેટ્રોલ-ડીઝલની કિંમતના અન્યાયપૂર્ણ વધારા દ્વારા દેશવાસીઓ સાથેની જબરદસ્તીનું એક નવુ ઉદાહરણ રજૂ કર્યુ છે. આ ના માત્ર અન્યાયપૂર્ણ છે પરંતુ સંવેદનહીન પણ છે.
સોનિયા ગાંધીએ કહ્યુ કે વધતી કિંમતોની સીધી અસર ખેડુત-ગરીબ-નોકરિયાત વેપાર ધંધા વાળા મધ્યમવર્ગ અને નાના-નાના ઉદ્યોગો પર પડી રહી છે. હુ મોદી સરકાર પાસે એ માગણી કરૂ છુ કે કોરોના મહામારી સંકટમાં પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો તાત્કાલિક પાછી લેવી જોઈએ. એક્સાઈઝ ડ્યુટીને પણ પાછી ખેંચવી જોઈએ.