પેટાચૂંટણીને લઈ ગુજરાત કોંગ્રેસનું નવું અભિયાન, ‘ગુજરાત નહીં સાંખે વિશ્વાસઘાત’

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ સીટોને લઈને યોજાવા જઈ રહેલી પેટાચૂંટણીમાં હવે બરાબરનો ચૂંટણીનો રંગ જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસમાં નેતાઓ પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે પેટાચૂંટણીમાં નવું ચૂંટણી કેમ્પેઈન શરૂ કર્યું છે. ગુજરાતનું નવું ચૂંટણી કેમ્પેઈન ‘વિશ્વાસઘાત’ નામથી શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત કોંગ્રેસે કેમપેઇનમાં હવે ગુજરાત નહિ સાંખે વિશ્વાસઘાત, ગુજરાતીઓની એક જ વાત વિશ્વાસઘાતીઓને આપશે માત, સૂત્ર લખવામાં આવ્યું છે.
ગુજરાત કોંગ્રેસે નવું ચૂંટણી કેમ્પેઇન પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ ચાલુ કર્યું છે. કોંગ્રેસના બાગી ઉમેદવારો સામે કોંગ્રેસ વધુ એક લડાઈ ઓલલાઇન લડશે. ગુજરાતના ૬.૫ કરોડના મનમા એક જ સવાલ છે કે, પેટાચૂંટણી કેમ આવી? ભ્રષ્ટાચારથી ભેગા કરેલ રૂપિયાથી ભાજપે ધારાસભ્યોને ખરીદ્યા છે અને લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે. બીજી બાજુ અમદાવાદ શહેર કોંગ્રેસના વિવાદનો મુદ્દો પણ બરાબરનો ગરમાયો છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, અમારામાં કકળાટ નથી. ટૂંક સમયમાં નવા વિપક્ષ નેતા આવશે. દિનેશ શર્માએ અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું રટણ અમિત ચાવડા કરી રહ્યા છે.
અમદાવાદ શહેર કોંગ્રેસમાં ચાલતા વિવાદને અમિત ચાવડાએ મોટું નિવેદન આપીને શાંત પાડવાની કોશિશ કરી છે. તેમણે જણાવ્યું કે શહેર કોંગ્રેસમાં કકળાટનો કોઈ મુદ્દો નથી. દિનેશ શર્માએ રાજીખુશીથી અંગત કારણોસર રાજીનામુ આપ્યું છે. તે ઘરમેડે સમાધાન થશે. તેમણે ઉમેર્યું કે, ટૂંક સમયમાં કોંગ્રેસમાં નવા વિપક્ષના નેતા આવશે.