પૂર બાદ વડોદરા રોગચાળાનાં ભરડામાં, વધુ બે સ્વાઇન ફ્લૂનાં કેસ પોઝિટિવ…

ભેજવાળા વાતાવરણમાં વડોદરામાં સ્વાઇન ફ્લૂની શરૂઆત થઇ ગઇ છે. વડોદરા શહેરની ખાનગી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના બે શંકાસ્પદ દર્દીઓના લોહીના નમૂના તપાસાર્થે મોકલી આપવામાં આવ્યા હતા. જે બે દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. બંને દર્દીઓને હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
વડોદરા શહેરના છાણી વિસ્તારમાં રહેતા ૭૫ વર્ષની વૃદ્ધાને શરદી-ખાંસીની બિમારી ન મટતા સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તબીબો દ્વારા વૃધ્ધામાં સ્વાઇન ફ્લૂના લક્ષણો જણાઇ આવતા લોહીના નમૂના લઇને તપાસ માટે મોકલી આપવામાં આવ્યા હતા. તેજ પ્રમાણે વાડી વિસ્તારની ૩૦ વર્ષિય યુવતીને માંજલપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેમાં પણ સ્વાઇન ફ્લૂના લક્ષણ જણાઇ આવતા લોહીના નમૂના લઇ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા હતા. ખાનગી હોસ્પિટલમાં દાખલ આ બંને દર્દીના સ્વાઇન ફ્લૂના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને સ્વાઇન ફ્લૂની સારવાર આપવામાં આવી રહી છે.
નોંધનીય છે કે, ઓગષ્ટ માસની શરૂઆત સાથે વડોદરા શહેરમાં સ્વાઇન ફ્લૂની શરૂઆત થતાં તંત્ર ચિંતાતૂર બન્યું છે. ગત એપ્રિલથી અત્યાર સુધીમાં શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના કરાયેલા ટેસ્ટમાં ૧૪ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.