પુલવામા શહીદની દીકરીએ CBSE પરીક્ષામાં મેળવી સફળતા, કહી આ મોટી વાત

પુલવામા હુમલાના શહીદ મોહનલાલ રતુડીની દીકરી ગંગાએ CBSEની 12મા ધોરણની પરીક્ષામાં સફળતા મેળવ્યાં બાદ કહ્યું કે હવે તે પોતાના પિતાની અંતિમ ઇચ્છા પૂર્ણ કરશે. પિતાને આપવામાં આવેલા અંતિમ વચન પ્રમાણે હવે તે પોતાનો ગાયનનો શોખ છોડીને ડોક્ટર બનવાની તૈયારીમાં જોડાઇ ગઇ છે. CBSE દ્વારા પણ તેમની પરીક્ષા માટે વિશેષ સગવડ આપવામાં આવી હતી.

14 ફેબ્રુઆરી 2019ના રોજ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં દૂન નિવાસી મોહનલાલ રતુડી પણ શહીદ થયા હતા. બોર્ડ પરીક્ષાની તૈયારી કરી રહેલી દીકરી ગંગા માટે આ મોટો આંચકો લાગ્યો હતો. એક તરફ પિતાને ગુમાવવાનું દુખ તો બીજી તરફ પરીક્ષા માથા પર હતી. આટલા મોટા દુખ વચ્ચે પણ ગંગાએ પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો. પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોના બાળકો માટે CBSE એ પણ વિશેષ સગવડ કરીને ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને અંગ્રેજી વિષયની પરીક્ષા બાદમાં લેવામાં આવી હતી. 2 મે ના રોજ જાહેર થયેલા પરિણામોમાં 68.8 % સાથે પાસ કરી હતી.