પીવી સિંધુની બાયોપિકમાં કોચનો રોલ અક્ષય કુમાર ભજવશે..!!

ભારતીય બેડમિંટન સ્ટાર પીવી સિંધુએ હાલમાં જ સ્વિટઝરલેન્ડનાં બાસેલમાં થયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. તેનો વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પહેલો ગોલ્ડ અને કુલ પાંચમું પદક છે. આ પહેલાં તેણે વર્ષ ૨૦૧૩ અને ૨૦૧૪માં બે કાંસ્‌ અને ૨૦૧૭ ૨૦૧૮માં બે રજત પદક આ ટૂર્નામેન્ટમાં જીત્યા હતાં. પીવી સિંધુ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારી પહેલી ભારતીય છે. છેલ્લી મેચમાં તેણે જાપાનની નોજોમી ઓકુહારાને માત આપી. સિંધુએ તેનાં કરિઅરમાં એટલી ઉપલબ્ધિઓ હાંસેલ કરી છે કે હવે તેનાં જીવન પર બાયોપિક બની શકે છે.
ખાસ વાત એ છે કે, પીવી સિંધુની બાયોપિકમાં અક્ષય કુમાર તેનાં કોચ પુલેલા ગોપીચંદનો રોલ અદા કરી શકે છે. આ અંગે પુલેલાને જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો તો તેણે કહ્યું કે, મને અક્ષય કુમાર ખુબ પસંદ છે. જો તે મારો રોલ અદા કરશે તો તે શાનદાર રહેશે. કારણ કે હું જે લોકોને ખુબ પસંદ કરું છુ તેમાં અક્ષય કુમાર એક છે. જોકે પુલેલા ગોપીચંદે તેમ પણ કહ્યું કે, મને પીવી સિંધુની બાયોપિક બનવાની છે તે અંગે કોઇ જ માહિતી નથી. આપને જણાવી દઇએ કે પુલેલા ગોપીચંદ ખેલ રત્ન અને દ્રોણાચાર્ય પુરસ્કારથી સન્માનિત છે.