પાણી આપવામાં તંત્ર નિષ્ફળ, છોટાઉદેપુરના આ ગામના લોકો પાણી માટે ભગવાનના સહારે

એક તરફ ઉનાળાની ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યારે બીજી તરફ લોકોને પીવાના પાણીની મુશ્કેલી પડી રહી છે. આ બાબતે તંત્ર એવા દાવા કરી રહ્યું છે કે, ગુજરાતના ગામડાઓમાં પાણીની વૈકલ્પિક વ્યવસ્થા તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. પરંતુ તંત્ર ભલે ગમે તેટલા દાવાઓ કરે પણ ગુજરાતના કેટલાક ગામડાંઓ એવા છે કે, જ્યાંના લોકોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. આજે છોટાઉદેપુરના એક એવા જ ગામનો કિસ્સો સામે આવ્યો છે કે, જે આખા ગામના લોકોને પીવાના પાણી માટેનો એક જ સ્ત્રોત છે, પરંતુ સ્ત્રોતમાં પણ પાણી પીવાલાયક આવતું નથી એટલે ગામના લોકોએ નવો રસ્તો અપનાવ્યો છે. ગામના લોકો રોજ આરતી સમયે માતાજીને પાણી માટે પ્રાર્થના કરે છે.

મળતી માહિતી અનુસાર, છોટાઉદેપુરના બોડેલી તાલુકાના સુરિયા ગામના લોકોએ પીવાના પાણી માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગામની વસતિ 500 કરતા વધારે છે. ગામના તમામ લોકો મજૂરી કામ સાથે સંકળાયેલા છે. જેના કારણે સવારથી સાંજ સુધી તેઓ મજૂરીકામ માટે જાય છે અને પોતાનું ગુજરાન ચલાવવા માટે થોડા ઘણા પૈસા મેળવે છે, પરંતુ જ્યારે મજૂરી કરી અને સાંજે પાછા આવે છે, ત્યારે ગામના લોકોએ પાણી ભરવા માટે જવું પડે છે. ગામમાં પાણીનો એક સ્ત્રોત છે એનું પાણી પણ પીવાલાયક નથી આવતું. ગામના લોકોએ પાણીની સમસ્યાને લઇને તંત્રને ઘણી રજૂઆતો કરી છતાં પણ ગામના લોકોની પીવાના પાણીની સમસ્યા દૂર થઇ નથી. જેના કારણે ગામના લોકોએ ભગવાનની શરણે જવાનો નિર્ણય લીધો છે. ત્યારે ગામની મહિલાઓ આરતી સમયે માટલું અને ઘડો લઈને માતાજીની આરતીમાં જોડાય છે અને માતાજીને વહેલી તકે ગામના લોકોને પાણી મળી શકે તે માટે પ્રાર્થના કરે છે.

ગામની મહિલાઓએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આખા ગામની મહિલાઓ માતાજીના મંદિરે ભેગી થઇને માતાજીને પ્રાર્થના કરે છે કે, અમને ગામમાં પાણીનું કંઇ સુખ થાય. અમારા ગામમાં કોઈ જગ્યા પર પાણી નથી, પશુ-પક્ષી પણ તરસ્યા મરે છે. કારણ કે, અમારી પાસે તો પાણી નથી તો અમે પશુ-પક્ષીઓને કેવી રીતે પાણી પીવડાવી શકીએ. એટલે અમે એક મહિનાથી માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે અમારી પાણીની સમસ્યા દૂર કરે.

ગામના મંદિરે પ્રાર્થના કર્યા પછી મહિલાઓ ગામના હેન્ડ પંપ પર પાણી ભરવા જાય છે, પરંતુ હેન્ડ પંપમાં કેટલીક વાર પાણી પૂરું થઇ જાય છે. તો પાણી સ્ટોર થવાની રાહ જોવી પડે છે. જેના કારણે ગામની મહિલાઓ વચ્ચે ઘર્ષણના દૃશ્યો પણ સર્જાય છે. પાણીની સમસ્યાથી કંટાળીને ગામના લોકો વેચાતું પાણી મંગાવીને પીવા માટે મજબૂર બન્યાં છે.