પાટિલના ગઢમાં સિસોદિયાનો હુંકાર : દિલ્હીના ના. મુખ્યમંત્રી મનિષ સિસોદિયાનો સુરતમાં રોડ-શૉ

27

ભારતમાં જય શ્રીરામ નહી બોલીયે તો પાકિસ્તાનમાં બોલીશું?

મનિષ સિસોદિયાનો સુરતમાં રોડ શૉ, ૨૫ વર્ષમાં ભાજપે વિકાસ નહીં, માત્ર ભ્રષ્ટાચાર કર્યો હોવાનાં કર્યા આક્ષેપો

સુરત : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે રાજકીય રંગ બરાબરનો જામ્યો છે. રાજ્યની ૬ કોર્પોરેશનમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયા બાદ ગઈકાલે છેલ્લા દિવસે પાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત માટે ઉમેદવારોનો ફોર્મ ભરવા માટે ભારે ધસારો જોવા મળ્યો હતો. હવે આજે રવિવારે આજથી દરેક પાર્ટીએ ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો છે. સુરતમાં ચૂંટણી પ્રચાર માટે આજે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા આવ્યા છે. સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા રોડ શૉનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં પત્રકારો સાથેની વાતચીત દરમ્યાન દિલ્હીમાં ’જય શ્રીરામ’ બોલવા પર થયેલી યુવકની હત્યા અંગે પ્રશ્ન પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં જય શ્રીરામ નહી બોલીએ, તો ક્યાં પાકિસ્તાનમાં બોલીશું..? ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું એક હથ્થુ શાસન વર્ષોથી હોવા છતાં પણ ગુજરાતના વિકાસ ઓછો અને ભ્રષ્ટાચાર વધુ થયું છે. શહેરના સરથાણાથી હીરાબાગ સુધી મનિષ સિસોદિયાનો રોડ શૉ યોજાયો.
સુરતમાં રોડ શૉ પહેલા મનિષ સિસોદિયાએ પત્રકાર પરિષદ સંબોધીને ભાજપ અને કોંગ્રેસ બન્નેને આડેહાથ લેતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ દરેક ચૂંટણી ભાજપને જીતાડવા માટે જ લડી રહી છે. અત્યાર સુધી ગુજરાતની પ્રજા પાસે કોઈ વિકલ્પ નહતો, પરંતુ હવે લોકો અમારી સાથે જોડાઈ રહ્યાં છે. મહાનગર પાલિકાની ચૂંટણીમાં આપ અને ભાજપ વચ્ચે જ કાંટાની ટક્કર જોવા મળશે. મનિષ સિસોદિયાએ વધુમાં જણાવ્યું કે, સુરતની પાટીદાર વિસ્તારની કેટલીક સોસાયટીમાં ભાજપ અને કોંગ્રેસ વિરુદ્ધ બેનરો લાગ્યા છે. જેના કારણે અમારો વિશ્વાસ વધ્યો છે. જો અમે સુરતમાં જીતીશું, તો દિલ્હીનું મોડલ અહીં પણ લાવીશું. અમદાવાદના ખોખરા વિસ્તારમાં ભાજપના ઉમેદવારોના પ્રચારમાં વેલેન્ટાઈન ડેનો રંગ જોવા મળ્યો હતો. જેમાં ભાજપના ઉમેદવારો પોતાના પરિવાર સાથે પ્રચાર માટે નીકળ્યા હતા.
જ્યાં તેમણે ગુલાબના ફૂલ અને ફુગ્ગા આપીને પ્રચાર કર્યો હતો. અહીં ચૂંટણી પ્રચાર માટે ગજરાજ બોલાવવામાં આવ્યા હતા. રાજકોટના વોર્ડ નં-૭માં ભાજપના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ડોર-ટૂ-ડોર પ્રચાર કરીને મત માંગી રહ્યા છે. ભાજપના ઉમેદવારોએ પોતાના પ્રચારમાં ખાસ કાર્ટૂન કેરેક્ટર્સને પણ સામેલ કર્યાં છે. અહીંના વોર્ડ નંબર ૭માં કિસાનપરા વિસ્તારમાં ભાજપના કાર્યકર્તાઓએ કાર્ટૂન કેરેક્ટરનો વેશ ધારણ કરીને પ્રચાર કરતાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. બીજી તરફ રાજકોટ વોર્ડ નંબર ૭ના કોંગ્રેસ ઉમેદવારોએ સાયકલ પર પ્રચાર શરૂ કર્યો હતો. કોંગ્રેસ ઉમેદવાર અલ્પાબેન રવાણી, કેતન જરિયા અને રણજિત મુંધવાએ પેટ્રોલ-ડીઝલની વધતી જતી કિંમતોના વિરોધમાં પ્રચાર માટે નવતર કિમિયો અજમાવ્યો છે. આ ઉમેદવારો સાયકલ પર પ્રચાર અર્થે નીકળ્યા હતા. આ સિવાય રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પણ રાજ્યના વિવિધ ભાગોમાં આજે જનસભાઓને સંબોધવાના છે.