પાકિસ્તાનમાં ઇમરાન ખાનની પાર્ટી સૌથી ધનિકઃ સંપત્તિ ૩૭.૫ કરોડ

વડાપ્રધાન ઇમરાન ખાનની પાકિસ્તાન તહરિક-એ-ઇન્સાફ પાર્ટી દેશની સૌથી ધનિક રાજકીય પાર્ટી છે અને તેની સંપત્તિ ૩૭.૫ કરોડ રૂપિયાથી વધુ છે. પાકિસ્તાનની ચૂંટણી પંચ (ઇસીપી)એ ૮૧ રાજકીય દળોની વિગતો રજૂ કરી છે જેમાં પાકિસ્તાન તહરિક-એ-ઇન્સાફ (પીટીએ)ની સંપત્તિ ૩૭.૬૬ કરોડ રૂપિયા છે અને તે દેશનો સૌથી સમૃદ્ધ રાજકીય પક્ષ છે.
એ પણ જાણવા મળ્યું છે કે પીટીએની સંપત્તિમાં એક વર્ષમાં ૨૨ કરોડ રૂપિયાનો વધારો થયો છે. સંપત્તિમાં વધારો મુખ્યત્વે બ્રિટન, અમેરિકા અને કેનેડામાં રહેતા પાકિસ્તાનીઓ દ્વારા વ્યાપક સ્તર પર ફંડ આપવામાં આવે છે.
પીટીએના અધ્યક્ષ અને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને એક એફિડેવિટ આપ્યું છે કે તેમના પક્ષે કોઈ ગેરકાનૂની સ્રોત અથવા પ્રતિબંધિત જૂથ પાસેથી કોઈ ફંડ લીધું નથી.
નોંધનીય છે કે વિદેશી ભંડોળમાં કહેવાતા ભ્રષ્ટાચારના આરોપોમાં પક્ષ વિરુદ્ધ ૨૦૧૪માં દાખલ કરેલ એક કેસ હજુ ચાલી રહ્યો છે. ક્રિકેટ જગતથી રાજકારણમાં આવેલા ઇમરાન ખાને પીટીએની સ્થાપના ૧૯૯૬માં કરી હતી. નેશનલ અસેમ્બલીમાં સત્તાધારી ગઠબંધનમાં આ સૌથી મોટો રાજકીય પક્ષ છે.