પાકિસ્તાનના અધિકારીઓએ ભારતીય રાજદૂતો સાથે કરી ગેરવર્તણૂક

પાકિસ્તાનમાં 2 ભારતીય રાજદ્વારીઓ સાથે એક રૂમમાં ગેરવર્તણુંક કરવામાં આવી હોવાનો એક મામલો સામે આવ્યો છે. આ રાજદ્વારીઓને ક રૂમમાં 15 મિનિટ સુધી બંધ રાખવામાં આવ્યાં હતા અને સાથે ISI ના અધિકારીઓએ તેમની તપાસ પણ કરી હતી. ભારતે આ મામલે પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને પાકિસ્તાન પાસે જવાબ માગ્યો છે.

મળતી માહિતી અનુસાર, સચ્ચા સોદા ગુરૂદ્વારામાં પાકિસ્તાનના અધિકારીઓએ ભારતના બે રાજદ્વારીઓને જબરદસ્તી એક રૂમમાં બંધ કરી દીધા હતા. આ પાકિસ્તાની અધિકારીઓએ ન માત્ર ભારતીય રાજદ્વારીઓને એક રૂમમાં બંધ કર્યા પરંતુ તેમની તપાસ કરી હતી અને ધમકી પણ આપી હતી. સૂત્રો પ્રમાણે, પાકિસ્તાની ગુપ્તતા એજન્સીના લગભગ 15 અઘિકારીઓએ ભારતીય રાજદ્વારીઓ સાથે ગેરવર્તણુંક કરી હતી.

ભારતે આ મામલે પાકિસ્તાનમાં સ્થિત ભારતીય હાઇકમિશનની સુરક્ષાને લઇને પત્ર મોકલ્યો છે, રાજદ્વારીઓના ઉત્પીડન અને તેમની સુરક્ષાને લઇને ભારતે પાકિસ્તાન પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ભારતે સખત શબ્દોમાં પોતાની નારાજગી વ્યક્ત કરતા રાજદ્વારીઓની સુરક્ષાને લઇને ચિંતા વ્યક્ત કરી છે અને સાથે સ્પષ્ટતા માગવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન આવી હરકતો પહેલા પણ કરતું આવ્યું છે. નવેમ્બર 2018માં પાકિસ્તાને ભારતીય રાજદ્વારીઓને નાનકાના સાહિબમાં પ્રવેશ કરતા રોક્યા હતા આ જ રીતે અત્યારે સચ્ચા સોદા ગુરૂદ્વારામાં જતાં પણ રોકવામાં આવ્યાં છે. ભારતે એ સમયે પણ વિરોધ દર્શાવ્યો હતો. વિદેશ મંત્રાલય પ્રમાણે, ભારતીય હાઇ કમિશનના રાજદ્વારી અધિકારીઓને પરેશાન કરવામાં આવી રહ્યાં છે.