પર્યટકે સુતેલા વાઘને માર્યો પથ્થર, વન વિભાગે ફટકાર્યો 51 હજારનો દંડ

કહેવાય છે કે, સુતેલા પશુઓને કે, મનુષ્યને ક્યારેય છંછેડવો ન જોઈએ. કારણ કે, તેનું પરિણામ ભયંકર આવી શકે છે. આવું જ કંઇક રાજસ્થાનમાં બન્યું છે. રાજસ્થાનમાં સફારી પાર્કમાં ફરી રહેલા એક પર્યટકે સુતેલા વાઘને ઉઠાડવા માટે તેના પર પથ્થરનો ઘા કર્યો હતો. આ સમગ્ર ઘટના સફારી પાર્કમાં લાગેલા કેમેરામાં કેદ થતા વનવિભાગના અધિકારીઓએ વાઘને પથ્થર મારનાર ટુરિસ્ટનું સફારી બુકિંગને કેન્સલ કર્યું હતું એટલું જ નહીં પરંતુ તેને સજાના ભાગરૂપે મોટો દંડ પણ ફટકાર્યો હતો.

મળતી માહિતી અનુસાર, રાજસ્થાનના રણથંભોરમાં ટાઈગર સફારી પાર્કમાં એક પર્યટક ગાઈડ અને જંગલ ખાતાના કર્મચારી સાથે જીપ્સીમાં બેસીને વાઘ દર્શન કરી રહ્યો હતો. ત્યારે પર્યટકે જીપ્સીની નીચે ઉતરીને સુતેલા વાઘને પથ્થર માર્યો હતો અને વાઘને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના વાઘની ગતિવિધિને કેદ કરવા માટે સફારી પાર્કમાં લગાડવામાં આવેલ થર્મલ ઇમેજિંગ કેમેરામાં કેદ થઇ ગઈ હતી.

વાઘ પર પથ્થર ફેંકવાની સમગ્ર ઘટનાની જાણ ડિવિઝનલ વન અધિકારીને થતા તેમણે પર્યટકોનું સફારી બુકિંગ રદ્દ કર્યું હતું અને વાઘને પથ્થર મારી કાયદો ભંગ કરવા બદલ પર્યટક અને ગાઈડને તાત્કાલિક પાર્ક છોડવા કહ્યું હતું અને પથ્થર મારનાર પર્યટક તેમજ ગાઈડને 51 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.