નોકરી અપાવવાની લાલચે ૩૬ લાખ રૂપિયાની ઠગાઇ, ૫ ઝડપાયા

પોલીસે ઓફિસમાં બોગસ એપોઇમેન્ટ લેટર, ટ્રેનિંગ સર્ટિફિકેટ, આઇ કાર્ડ સહિતનો મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે…

વડોદરા,
રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપીને ૧૭૬ બેરોજગારો સાથે રૂપિયા ૩૬.૩૫ લાખની ઠગાઇ કરનાર ભેજાબાજ ટોળકીના ૫ સાગરીતોને વડોદરા શહેર એસ.ઓ.જી.એ ઝડપી પાડ્યા છે. પોલીસે વાઘોડિયા સ્થિત તેમની ઓફિસમાં બોગસ એપોઇમેન્ટ લેટર, ટ્રેનિંગ સર્ટિફિકેટ, આઇ કાર્ડ સહિતનો મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ભેજાબાજોએ રેલવેમાં નોકરી મેળવવા માંગતા બેરોજગાર યુવાનોને વિશ્વાસમાં લેવા માટે ભારતીય રેલવે ન્યુ દિલ્હીના પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ, સિનીયર રાઇટર, ક્લાર્ક અને પટાવાળાના હોદ્દાઓ ઉભા કર્યાં હતા. તેઓ પોતાની ઓફિસમાં ઉભા કરેલા હોદ્દા પ્રમાણેના બનાવેલા આઇ કાર્ડ પહેરીને જ બેસતા હતા. અને રેલવેમાં નોકરીની લાલચમાં આવતા યુવાનોને ફસાવતા હતા. આ ઠગ ટોળકી રેલવેમાં નોકરી મેળવવા માંગતા યુવાનોને ન્યુ દિલ્હી રેલવે રિક્રુટમેન્ટ બોર્ડના નામે રેલવેમાં નોકરી અપાવવાનું જણાવતા હતા.

એસ.ઓ.જી.એ ઠગ ટોળકીની ઓફિસમાં દરોડો પાડીને ૧૨ બોગસ આઇકાર્ડ, ૧૦ નેમ પ્લેટ, ૯ રબર સ્ટેમ્પ, સ્ટેમ્પ પેઇડ, ૫૨ ટ્રેનિંગના સર્ટીફિકેટ, ૩૪ નંગ ઉમેદવારોની બનાવેલી મેરીટ લિસ્ટની યાદી, રજિસ્ટર, ૪ નોટબુક, ૧૪ ઉમેદવારી ફોર્મ, અશોક સ્તંભના હોલમાર્કવાળા ૧૮૦ નંગ લેટર પેઇડ, ૪૮ નંગ રેલવેના માર્કાવાળા કવર, ૨૧ રેલવે મંત્રાલયના કોરા લેટર પેઇડ, રેલ ભવનના સિક્કાવાળુ પરીક્ષાપત્ર, ૧૧ નંગ રેલ ભરતી બોર્ડના કવરોવાળા ઓર્ડર સહિતના દસ્તાવેજો કબજે કર્યાં હતા.