નાસાના રોવરે મંગળની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું…

13
મંગળ પર ક્યારેક જીવન હતું જેવા અનેક પ્રશ્નનોના જવાબ મળી શકે છે…
પ્રથમ રોવર જે પરમાણુ ઉર્જાથી મંગળ ગ્રહની સપાટી પર ચાલશે, જીવનની સંભાવનાઓ પર કરશે શોધ…

USA : અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ મંગળ ગ્રહ પર માર્સ પર્સિવરેંસ રોવર મોકલવામાં સફળતા પ્રાપ્ત કરી છે. અમેરિકાની અંતરિક્ષ એજન્સીએ રાત્રે લગભગ ૨ઃ૩૦ વાગ્યે પોતાના માર્સ પર્સિવેરેંસ રોવરનો જેજેરા ક્રેટરમાં સફળતાપૂર્વક લૅન્ડ કરાવ્યું. ૬ પૈડાવાળું આ ઓવર મંગળ ગ્રહ પર ઉતરીને ત્યાં અનેક પ્રકારની જાણકારી એકત્ર કરશે અને એવા ખડકોને લઈને આવશે, જેનાથી તે પ્ર્‌શ્નોના જવાબ મળી શકશે કે શું લાલ ગ્રહ પર ક્યારેય જીવન હતું.
જેજેરા ક્રેટર મંગળ ગ્રહનું ખુબ જ દુર્ગમ સ્થળ છે. અહીં ઊંડી ઘાટીઓ અને પહાડો છે. તેની સાથે જ અહીં રેતીના ટીલા અને મસમોટા અણિદાર પથ્થર તેને વધુ ખતરનાક બનાવી દે છે. એવામાં પર્સિવેરેંસ માર્સ રોવરની લૅન્ડિંગની સફળતા પર સમગ્ર દુનિયાની નજર હતી. રોવરના મંગળ ગ્રહ પર લૅન્ડિંગની સાથે જ અમેરિકા મંગળ ગ્રહ પર સૌથી વધુ રોવર મોકલનારો દુનિયાનો પહેલો દેશ બની ગયો છે.
એવું માનવામાં આવે છે કે જેજેરા ક્રેટરમાં પહેલા નદી વહેતી હતી જે એક લેકમાં જઈને મળતી હતી. ત્યારબાદ ત્યાં પંખાના આકારનો ડેલ્ટા બની ગયો. વૈજ્ઞાનિકો તેના માધ્યમથી એ જાણવાનો પ્રયાસ કરશે કે શું મંગળ ગ્રહ પર ક્યારેય જીવન હતું.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે જો ક્યારેય મંગળ ગ્રહ પર જીવન રહ્યું હતું તો તે ત્રણથી ચાર અરબ વર્ષ પહેલા રહ્યું હશે, જ્યારે ગ્રહ પર પાણી વહેતું હતું. વૈજ્ઞાનિકોને આશા છે કે રોવરથી દર્શનશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર અને અંતરિક્ષ વિજ્ઞાન સાથે જોડાયેલા અગત્યના સવાલના જવાબ મળી શકે છે. આ પ્રોજેક્ટના વૈજ્ઞાનિક કેન વિલિફોર્ડે કહ્યું કે, શું આપણે એક વિશાળ બ્રહ્માંડ રુપી રણમાં એકલા છીએ કે બીજે ક્યાંય પણ જીવન છે? શું જીવન ક્યારે પણ, ક્યાં પણ અનુકૂળ પરિસ્થિતિઓના કારણે હોય છે?
નાસાના વૈજ્ઞાનિકોની બીજી સૌથી મોટી ચિંતાની વાત હતી મંગળ ગ્રહના વાયુમંડળમાં પર્સિવરેન્સ રોવરની એન્ટ્રી, તેમનું ડિસેન્ટ અને લેન્ડિંગ. આ બધા કામોમાં સાત મીનિટનો સમય લાગ્યો. આ સાત મીનિટ સુધી નાસાના સાઈન્ટિસ્ટ્‌સના ધબકારા પણ ધીમા ચાલી રહ્યાં હતા કેમ કે, મંગળ ગ્રહ પર પર્સિવરેન્સની લેન્ડીંગની દરેક જાણકારી ધરતી પર વૈજ્ઞાનિકોને ૧૧ મીનિટ ૨૨ સેકન્ડ પછી મળી રહી હતી.
પર્સિવરેન્સ માર્સ રોવર ૧૦૦૦ કિલોગ્રામ વજન ધરાવે છે. જ્યારે એન્જીન્યૂટી હેલિકોપ્ટર ૨ કિલોગ્રામ વજનનું છે. માર્સ રોવર પરમાણુ ઉર્જાથી ચાલે છે. એટલે પ્રથમ વખત કોઈ રોવરમાં પ્લૂટોનિયમને બળતણના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવ્યો છે. આ રોવર મંગળ ગ્રહ પર ૧૦ વર્ષ સુધી કામ કરશે. જેમાં ૭ ઈંચનું રોબોટિક આર્મ, ૨૩ કેમેરા અને એક ડ્રિલ મશીન છે. જે મંગળ ગ્રહની તસવીરો, વીડિયો અને નમૂના લેશે.

  • Naren Patel